News of Wednesday, 11th March 2026
બગસરાના આંગણે 'માનસ મેઘાણી' રામકથામાં પૂજ્ય મોરારીબાપુનો ભાવસભર મનોરથ: ગરવી ગુજરાતની ત્રણ વિભૂતિઓને વ્યાસપીઠ પરથી અપાશે વિશેષ ભાવાંજલિ
ગુજરાત રાજ્યના સ્થાપક અને લોકસેવક રવિશંકર મહારાજ, લોકપ્રિય કવિ રમેશ પારેખ અને સમર્થ લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટના જીવન-કવનને રામકથાના માધ્યમથી વંદના કરવાનો બાપુએ વ્યક્ત કર્યો સંકલ્પ

બગસરા: પૂજ્ય મોરારીબાપુનો સંસ્કૃતિ, સાહિત્ય અને કલા પ્રત્યેનો અખંડ સ્નેહાદર જગજાહેર છે. રામકથાના માધ્યમથી સનાતન ધર્મની ધજા ફરકાવવાની સાથે બાપુ આદેશ કે ઉપદેશને બદલે રામચરિત માનસના મર્મ દ્વારા સમાજમાં સંવાદિતાનો સંદેશ પીરસી રહ્યા છે. વ્યાસપીઠ હંમેશા શુભના સ્વીકારક તરીકે કાર્યરત રહી છે અને જ્યાં પણ શ્રેષ્ઠતા દેખાય ત્યાં સાહિત્યકારો, કવિઓ, લેખકો, શાયરો, ગીતકારો, સંગીતકારો તેમજ ચિત્રકારો અને રંગમંચના કલાધરો પ્રત્યે બાપુનો અહેતુ પ્રેમ સતત પ્રગટતો રહે છે.
હાલ બગસરા ખાતે 'માનસ મેઘાણી' રામકથા ચાલી રહી છે, જેમાં બાપુ ઝવેરચંદ મેઘાણીના જીવન કાર્યને અંજલિ આપી રહ્યા છે. આ કથાના બીજા જ દિવસે પૂજ્ય બાપુએ ગુજરાતની ત્રણ મહાન વિભૂતિઓને સ્મરણાંજલિ અર્પવા માટે આગામી સમયમાં કથા કરવાનો મનોરથ વ્યક્ત કર્યો છે. બાપુએ વ્યાસપીઠ પરથી ભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યની સ્થાપનામાં જેનું અતુલ્ય યોગદાન છે એવા ગાંધીવાદી લોકસેવક શ્રી રવિશંકર મહારાજ, ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના અત્યંત લોકપ્રિય કવિ શ્રી રમેશ પારેખ તેમજ સમર્થ લોકવાર્તાકાર શ્રી કાનજી ભુટા બારોટના સ્મરણાર્થે ભવિષ્યમાં કથા યોજાશે.
આ ત્રણેય દિવંગત મહામાનવો કે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમની ચેતનાને વંદના કરવા માટે રામ અને રામાયણને કેન્દ્રમાં રાખી પૂજ્ય બાપુ શ્રદ્ધા સુમન અર્પણ કરશે. ગરવી ગુજરાતના આ રત્નોના ગુણગાન ગાઈને તેમની સ્મૃતિને જીવંત રાખવાનો પૂજ્ય બાપુનો આ મનોરથ સાહિત્ય અને સંસ્કૃતિ જગતમાં આવકાર પામ્યો છે. જ્યારે પણ અનુકૂળ યોગ સર્જાશે ત્યારે આ વિભૂતિઓના જીવન-કવનને રામકથાના માધ્યમથી ઉજાગર કરવામાં આવશે. (સંકલન: મુકુંદ બદિયાની, જામનગર)
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
