<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: માર્ચના પ્રારંભે જ પારો 40 ડિગ્રીને પાર પહોંચતા ત્રણ વર્ષના રેકોર્ડ તૂટ્યા, સુરતમાં તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું

કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હીટવેવનું 'ઓરેન્જ એલર્ટ', અમદાવાદ-સુરત સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ; બપોરે 1 થી 4 કામકાજ બંધ રાખવા અને હોસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખવા તંત્રનો આદેશ

ગાંધીનગર:
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માર્ચ મહિનાના શરૂઆતના 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા છેલ્લા ત્રણ વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સુરતમાં આજે તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હીટ ડોમ ઇફેક્ટ અને ઉત્તર-પશ્ચિમના ગરમ સૂકા પવનોને કારણે રાજ્યમાં આકરી ગરમીની સ્થિતિ સર્જાઈ છે. આગામી 16 માર્ચ સુધી હીટવેવની આગાહીને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 'ઓરેન્જ એલર્ટ' જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિતના જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

ક્યાં કેવું એલર્ટ અને તાપમાનની સ્થિતિ:
હવામાન વિભાગે આજે 11 માર્ચ માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં સિવિયર હીટવેવની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 12 માર્ચે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ રહેશે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ અને દીવ સહિતના વિસ્તારોમાં 'વોર્મ નાઈટ' એટલે કે રાત્રે પણ ભારે ઉકળાટ અનુભવાશે.

નિષ્ણાતોનો મત - પારો 43 ડિગ્રી સુધી જઈ શકે:
હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈના જણાવ્યા મુજબ, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 10% થી 20% થઈ ગયું છે, જે સામાન્ય રીતે 50% થી 60% હોય છે. આ શુષ્કતાને કારણે ચામડી બાળતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી 3 થી 4 દિવસમાં તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની પૂરી સંભાવના છે. વર્ષ 2026માં ગરમીએ છેલ્લા ચાર વર્ષના ડેટા મુજબ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જ્યાં માર્ચના પ્રથમ સપ્તાહમાં જ પારો 34.2°C થી વધીને 40°C ને વટાવી ગયો છે.

તંત્ર સજ્જ - ગાઈડલાઈન જાહેર:
ગરમીના રક્ષણ માટે રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે:
 * હોસ્પિટલો: મ્યુનિસિપલ હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 10 બેડ રિઝર્વ રાખવામાં આવશે.
 * કન્સ્ટ્રક્શન સાઈટ્સ: તમામ સાઈટ્સ પર બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન કામકાજ ફરજિયાત બંધ રાખવાનું રહેશે.
 * શાળાઓ: વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં દર દોઢ કલાકે 'વોટર બેલ' વગાડવામાં આવશે જેથી બાળકો પાણી પીવા માટે પ્રોત્સાહિત થાય.
 * બગીચા: નાગરિકોની સુવિધા માટે તમામ બગીચા સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે.

નાગરિકો માટે એડવાઈઝરી:
આરોગ્ય વિભાગે લોકોને પુષ્કળ પાણી પીવા, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. ભોજનમાં લીંબુ પાણી, છાશ અને ઓઆરએસનો ઉપયોગ વધારવા તેમજ વાસી ખોરાક, ચા-કોફી કે એનર્જી ડ્રિંક્સ લેવાનું ટાળવા જણાવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે અને 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

(11:16 AM IST)