<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

છત્તીસગઢમાં રૂ.૩.૯૫ કરોડનું ઈનામ ધરાવતા ૧૦૬ માઓવાદીઓએ હથિયાર હેઠા મૂકયા

લાલ આતંકના ગઢ ગણાતા બસ્‍તર ડિવિઝનમાં હિંસાના અંતની શરૂઆત બીજાપુર, દાંતેવાડા અને સુકમાના રીઢા નક્‍સલીઓ મુખ્‍યધારામાં જોડાયા

રાયપુર, તા.૧૧: છત્તીસગઢના રક્‍તરંજિત ઈતિહાસમાં એક નિર્ણાયક વળાંક આવ્‍યો છે. કેન્‍દ્ર સરકાર દ્વારા ૩૧ માર્ચ સુધીમાં નક્‍સલવાદને જડમૂળથી ઉખેડી નાખવાની જાહેર કરાયેલી સમયમર્યાદા વચ્‍ચે, રાજ્‍યમાં રેકોર્ડબ્રેક શરણાગતિ જોવા મળી છે. કુલ રૂ.૩.૯૫ કરોડનું માતબર ઈનામ ધરાવતા ૧૦૬ નક્‍સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્‍મસમર્પણ કરી દીધું છે. આ જૂથમાં બીજાપુર અને દાંતેવાડાના ૬૭ નક્‍સલીઓ સહિત બસ્‍તર, કાંકેર અને સુકમાના ખૂંખાર માઓવાદીઓનો સમાવેશ થાય છે, જેઓ દાયકાઓથી જંગલોમાં રહી હિંસક પ્રવળત્તિઓ ચલાવતા હતા.

શરણાગતિ સ્‍વીકારનારાઓમાં ઉચ્‍ચ હોદ્દા ધરાવતા કેડરોની સંખ્‍યા ચોંકાવનારી છે. બીજાપુરમાંથી DVCM અને PPCM રેન્‍કના દિગ્‍ગજ નેતાઓ સહિત ૩૭ લોકોએ હથિયાર છોડ્‍યા છે, જેમના પર રૂ.૧.૦૬ કરોડનું ઈનામ હતું. તેવી જ રીતે સુકમામાં ૩૧ અને બસ્‍તરમાં ૧૬ નક્‍સલીઓએ સરેન્‍ડર કર્યું છે. આ આત્‍મસમર્પણ માત્ર આંકડાકીય નથી, પરંતુ નક્‍સલી સંગઠનના આંતરિક માળખામાં પડેલી મોટી તિરાડ અને સરકારની પુનર્વસન નીતિ પ્રત્‍યે વધેલા વિશ્વાસનું પ્રતીક છે.

પોલીસ પ્રશાસન મુજબ, આત્‍મસમર્પણ કરનારા માઓવાદીઓને હવે લોકશાહીની મુખ્‍યધારામાં લાવવામાં આવશે અને તેમને આર્થિક સહાય સહિત રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. વર્ષો સુધી જેમના નામથી બસ્‍તરના જંગલો ધ્રૂજતા હતા, તેવા લડાયક નક્‍સલીઓ હવે હિંસાનો માર્ગ ત્‍યજી શાંતિપૂર્ણ જીવન જીવવા તૈયાર થયા છે. ૩૧ માર્ચની અંતિમ તારીખ નજીક આવતા હજુ પણ વધુ નક્‍સલીઓ શરણાગતિ સ્‍વીકારે તેવી પૂરી સંભાવના છે, જે છત્તીસગઢને લાલ આતંકમાંથી કાયમી મુક્‍તિ અપાવશે

(2:59 PM IST)