News of Wednesday, 11th March 2026
ડ્રેગન અને પ્યોંગયાંગ વચ્ચે ફરી દોડશે દોસ્તીની પાટા: 6 વર્ષના લાંબા વિરામ બાદ ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા પુનઃ શરૂ
કોરોનાકાળના લોખંડી પ્રતિબંધોનો અંત: અઠવાડિયામાં 4 દિવસ દોડશે ટ્રેન, રાજદ્વારીઓ બાદ હવે સામાન્ય જનતા માટે પણ ખુલશે રસ્તો

પ્યોંગયાંગ, તા.૧૧: વિશ્વથી અલિપ્ત રહેતા ઉત્તર કોરિયાએ આખરે પોતાના દરવાજા તેના સૌથી નજીકના સાથી ચીન માટે ફરી ખોલ્યા છે. વર્ષ 2020માં કોરોના રોગચાળાના પગલે લદાયેલા કડક સરહદી પ્રતિબંધો અને 6 વર્ષના લાંબા અંતરાલ બાદ, પ્યોંગયાંગ અને બેઇજિંગ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા આ અઠવાડિયે ફરી શરૂ થવા જઈ રહી છે. આ માત્ર પરિવહન સેવા નથી, પરંતુ આર્થિક રીતે ઘેરાયેલા ઉત્તર કોરિયા માટે એક મહત્વપૂર્ણ 'લાઈફલાઈન' માનવામાં આવે છે.
રાજદ્વારીઓથી થશે શરૂઆત, સામાન્ય જનતાને પણ મળશે તક
ચીન રેલ્વેના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તબક્કે આ ટ્રેન અઠવાડિયામાં ચાર વખત રાઉન્ડ-ટ્રીપ કરશે. શરૂઆતમાં ટ્રેનના છેલ્લા બે ડબ્બા મુસાફરો માટે ફાળવવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે રાજદ્વારીઓ અને સરકારી અધિકારીઓ મુસાફરી કરશે. જોકે, ઉત્સાહજનક સમાચાર એ છે કે જો બેઠકો ખાલી રહેશે, તો સામાન્ય નાગરિકોને પણ ટિકિટ આપવામાં આવશે, જે ઉત્તર કોરિયામાં પ્રવેશવા માંગતા લોકો માટે મોટી રાહત ગણાશે.
પ્રવાસન ક્ષેત્રે નવી આશા, પણ મેરેથોન પર હજુ રોક
રોગચાળા પહેલા ઉત્તર કોરિયામાં આવતા વિદેશી પ્રવાસીઓમાં ચીની નાગરિકોનો હિસ્સો સૌથી મોટો હતો. આ ટ્રેન સેવા શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળવાની આશા છે. જોકે, હજુ પણ કેટલાક પ્રતિબંધો યથાવત છે. તાજેતરમાં જ અચોક્કસ કારણોસર 'પ્યોંગયાંગ મેરેથોન' રદ કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. હાલમાં રશિયન પ્રવાસ જૂથો સિવાય મોટાભાગના વિદેશીઓ માટે ઉત્તર કોરિયાના રસ્તાઓ હજુ પણ મર્યાદિત છે.
શા માટે આ ટ્રેન મહત્વની છે?
દક્ષિણ કોરિયાના એકીકરણ મંત્રાલય આ હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. ચીન એ ઉત્તર કોરિયાનો સૌથી મોટો આર્થિક ભાગીદાર છે. ટ્રેન સેવા શરૂ થવી એ બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને રાજદ્વારી સંબંધોમાં નવી ગરમી આવવાનો સંકેત છે. નિષ્ણાતો માને છે કે આ પગલું ઉત્તર કોરિયાની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
