News of Wednesday, 11th March 2026
આકાશમાં યુદ્ધની અસર: મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એર ઇન્ડિયા, ઇન્ડિગો અને કતાર એરવેઝના ફ્લાઇટ શેડ્યૂલમાં ધરખમ ફેરફારો
એરસ્પેસ પર પ્રતિબંધો અને મોંઘા ઈંધણનો ડબલ ફટકો: એરલાઇન્સે જારી કરી નવી ટ્રાવેલ એડવાઇઝરી, મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા સ્ટેટસ ચેક કરવા તાકીદ

નવી દિલ્હી, તા.૧૧: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિર ભૂ-રાજકીય પરિસ્થિતિની સીધી અસર હવે ઉડ્ડયન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. એરસ્પેસના પ્રતિબંધો અને સુરક્ષાના કારણોસર એર ઇન્ડિયા, ઇન્ડિગો, કતાર એરવેઝ અને બ્રિટિશ એરવેઝ જેવી મોટી એરલાઇન્સે તેમના ઓપરેશનમાં મોટા ફેરફારો કર્યા છે. આ સાથે જ જેટ ફ્યુઅલ (ATF) ના ભાવમાં થયેલા વધારાને કારણે મુસાફરોએ હવે વધારાના 'ફ્યુઅલ સરચાર્જ'નો બોજ પણ સહન કરવો પડશે.
એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની 58 ફ્લાઇટ્સ
એર ઇન્ડિયા ગ્રુપે માહિતી આપી છે કે ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ તેઓ પશ્ચિમ એશિયા ક્ષેત્ર માટે કુલ ૫૮ શેડ્યૂલ્ડ અને નોન-શેડ્યૂલ્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. જોકે, ૧૨ માર્ચથી આંતરરાષ્ટ્રીય રૂટ પર ઇંધણ સરચાર્જ લાગુ થવાને કારણે ટિકિટના ભાવમાં વધારો થઈ શકે છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરલાઇનની સત્તાવાર વેબસાઇટ પર ફ્લાઇટની વિગતો તપાસતા રહે.
ઇન્ડિગો અને કતાર એરવેઝનું 'મર્યાદિત' ઓપરેશન
ઇન્ડિગોએ જણાવ્યું છે કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે મળીને નેટવર્કને ફરીથી ગોઠવી રહ્યા છે. ૧૧ માર્ચે કંપની ૮ સ્થળોએ મર્યાદિત સેવાઓ આપશે. બીજી તરફ, કતાર એરવેઝે એરસ્પેસ બંધ થવાને કારણે તેની ફ્લાઇટ્સ અસ્થાયી ધોરણે સ્થગિત રાખી છે. ૨૮ ફેબ્રુઆરીથી ૨૨ માર્ચ વચ્ચે બુકિંગ ધરાવતા મુસાફરોને ફ્રી ડેટ ચેન્જ અથવા રિફંડનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
બ્રિટિશ એરવેઝે અબુ ધાબીની ફ્લાઇટ્સ રદ કરી
સુરક્ષાની ગંભીર ચિંતાઓને પગલે બ્રિટિશ એરવેઝે આ વર્ષના અંત સુધી અબુ ધાબીની તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. આ ઉપરાંત અમ્માન, દોહા અને દુબઈ જેવા શહેરોની ફ્લાઇટ્સ પણ આ મહિનાના અંત સુધી રદ કરવામાં આવી છે. ઝાયેદ ઇન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓએ મુસાફરોને સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી તમારી ટિકિટ કન્ફર્મ ન હોય અને એરલાઇન દ્વારા ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી એરપોર્ટ પર ન આવવું.
એતિહાદ એરવેઝની નવી યાદી
એતિહાદ એરવેઝે ૧૨ માર્ચ માટે અબુ ધાબીથી અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ સહિતના શહેરો માટે અપડેટેડ શેડ્યૂલ બહાર પાડ્યું છે. એરલાઇન્સે મુસાફરોને ચેતવણી આપી છે કે ફ્લાઇટ ફેરફારોના નામે આવતા શંકાસ્પદ મેસેજ કે લિંક્સ પર ક્લિક ન કરવું અને માત્ર સત્તાવાર માધ્યમોનો જ ઉપયોગ કરવો.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
