News of Wednesday, 11th March 2026
'બ્લેક વેડનેસડે': એક જ દિવસમાં રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા: સેન્સેક્સ 1300 પોઈન્ટ તૂટ્યો
વૈશ્વિક યુદ્ધની આશંકા અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારમાં ભૂકંપ જેવી સ્થિતિ: બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં ગાબડાં પડતા નિફ્ટી 23,900ની સપાટી તોડી નીચે ઉતરી ગયો

અમદાવાદ: મંગળવારની સુધારાની ચમક બુધવારે બજાર ખુલતાની સાથે જ ફિક્કી પડી ગઈ હતી. શેરબજારમાં જાણે 'રીંછ' હાવી થઈ ગયા હોય તેમ સેન્સેક્સમાં 1,300 પોઈન્ટનો આઘાતજનક ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં ફેલાયેલા આ ગભરાટને કારણે રોકાણકારોની મિલકતમાં એક જ ઝટકામાં ₹5 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે. મંગળવારે જે ₹6 લાખ કરોડની કમાણી થઈ હતી, તે બુધવારના કડાકાએ પૂરેપૂરી સાફ કરી નાખી છે. ખાસ કરીને HDFC અને ICICI જેવી મજબૂત ગણાતી બેંકોના શેરમાં ગાબડાં પડતા બજારનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે નકારાત્મક બની ગયું હતું, જેને કારણે સામાન્ય રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ ભારે ઉથલપાથલ પાછળના મુખ્ય કારણોમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતો જતો તણાવ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારત જેવા ઉભરતા બજારોમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. બીજી તરફ, ભારત VIX એટલે કે 'ફિયર ઇન્ડેક્સ'માં 8% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે આગામી દિવસોમાં પણ બજારમાં આવી જ અસ્થિરતા જોવા મળી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી બજારમાં ઉછાળે વેચવાલીનું દબાણ ચાલુ રહેશે.
બજારના આ તોફાનમાં માત્ર બ્લૂ-ચિપ શેરો જ નહીં, પરંતુ ઓટો અને આઈટી ક્ષેત્રના માંધાતાઓ પણ ઘૂંટણિયે પડ્યા છે. બજાજ ફાઇનાન્સ અને એક્સિસ બેંક જેવા શેરોમાં થયેલા મોટા ઘટાડાએ ઇન્ડેક્સને નીચે ખેંચવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જોકે, આ ઘટાડા વચ્ચે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં થોડી સ્થિરતા જોવા મળી હતી, પરંતુ એકંદર બજાર લાલ નિશાનમાં જ ગરકાવ રહ્યું હતું. રોકાણકારો માટે હવે 23,800ની નિફ્ટી સપાટી અત્યંત મહત્વની બની રહેશે, જો તે તૂટશે તો બજારમાં વધુ પેનિક સેલિંગ જોવા મળી શકે છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
