News of Wednesday, 11th March 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધ્યો : દુબઈથી ભારત પરત ફરતા થાઈ જહાજ પર હુમલો : વૈશ્વિક ઓઈલ સપ્લાય જોખમમાં
પશ્ચિમ એશિયાના મહાસંગ્રામ વચ્ચે દરિયાઈ માર્ગો રણમેદાનમાં ફેરવાયા: ઈરાને સમુદ્રમાં બિછાવેલી સુરંગો તોડવા અમેરિકાનું વિરાટ ઓપરેશન

તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના 12મા દિવસે સ્થિતિ વધુ સ્ફોટક બની છે. દુબઈથી ભારત પરત ફરી રહેલા થાઈલેન્ડના એક વ્યાપારી જહાજ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં હુમલો થતા ભારતની ચિંતામાં વધારો થયો છે. ઈરાન દ્વારા આ વ્યૂહાત્મક જળમાર્ગમાં દરિયાઈ સુરંગો બિછાવવાના પ્રયાસોને રોકવા માટે અમેરિકી નૌસેનાએ ઈરાનના 16 જહાજોનો નાશ કર્યો છે. વિશ્વનો 20% ક્રૂડ ઓઈલ સપ્લાય આ માર્ગ પર નિર્ભર હોવાથી અહીં વધતો તણાવ વૈશ્વિક આર્થિક કટોકટી સર્જી શકે છે.
યુદ્ધની આગ હવે લેબનોનથી લઈને સાઉદી અરેબિયા અને યુએઈ સુધી પ્રસરી રહી છે. ઈઝરાયલી હુમલામાં અત્યાર સુધી 1,300થી વધુ નાગરિકોના મોત થયા હોવાનો દાવો સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતે કર્યો છે. સામે પક્ષે ઈરાની મિસાઈલ હુમલામાં 140 અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે. ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ ઈરાની જનતાને આયાતુલ્લા શાસન ઉથલાવી દેવા સીધું આહ્વાન કર્યું છે, જેનાથી ભૌગોલિક રાજકીય સ્થિતિ વધુ વણસી છે.
ખાડી દેશોમાં પણ મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો વરસાદ થઈ રહ્યો છે. યુએઈ (UAE) પર અત્યાર સુધીમાં 1,400થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા છે, જ્યારે સાઉદી અને કુવૈતે પણ તેમના હવાઈ ક્ષેત્રમાં મિસાઈલો તોડી પાડ્યાની પુષ્ટિ કરી છે. અમેરિકાએ ઈઝરાયલને ઈરાનના તેલ મથકો પર હુમલો ન કરવા વિનંતી કરી છે જેથી વૈશ્વિક ઈંધણ પુરવઠો ખોરવાય નહીં. આ યુદ્ધ હવે ધીમે ધીમે સમગ્ર પ્રદેશને વિનાશક ભરડામાં લઈ રહ્યું છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
