News of Wednesday, 11th March 2026
દિલ્હી-NCRમાં ગેસનો હાહાકાર: રસોડાના બજેટના લીરેલીરા : સિલિન્ડર માટે ₹400 પ્રતિ કિલોનો 'કાળો' ખેલ
નોઈડાના હરોલા અને સેક્ટર 5માં રસોઈ ગેસની તીવ્ર અછત વચ્ચે જનતા બેહાલ: ઓનલાઈન બુકિંગ ઠપ્પ થતા ગરીબ પરિવારો ચૂલો સળગાવવા માટે વલખાં મારી રહ્યા છે: કાળાબજારિયાઓ બેફામ

નોઈડા: દિલ્હી-એનસીઆરના હાઈટેક શહેરોમાં અત્યારે ગેસ સિલિન્ડર મેળવવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે. નોઈડાના સેક્ટર 5 અને હરોલા જેવા ગીચ વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી રસોઈ ગેસની એવી તીવ્ર કટોકટી સર્જાઈ છે કે લોકોના ઘરમાં રસોડા ઠપ્પ થઈ ગયા છે. ગેસ એજન્સીઓએ સત્તાવાર રીતે ઓનલાઈન બુકિંગ બંધ કરી દેતા અને 'સ્ટોક નથી' ની પાટીઓ ઝુલાવી દેતા હજારો મધ્યમવર્ગીય પરિવારો અને દૈનિક વેતન મજૂરો રસ્તા પર આવી ગયા છે. એજન્સીઓ ટેકનિકલ સમસ્યાઓનું બહાનું ધરી રહી છે, પરંતુ જમીની હકીકત એ છે કે સામાન્ય જનતા માટે ગેસ 'દુર્લભ' બની ગયો છે.
આ કૃત્રિમ અછત વચ્ચે કાળાબજારિયાઓએ માનવતા નેવે મૂકીને લૂંટ ચલાવી છે. જે ગેસ સિલિન્ડર સત્તાવાર ભાવે મળવો જોઈએ, તે અત્યારે છૂટક બજારમાં ₹300 થી ₹400 પ્રતિ કિલોના તોતિંગ ભાવે વેચાઈ રહ્યો છે. ગરીબ શ્રમિકોની હાલત દયનીય બની છે; તેઓ આખો દિવસ કાળી મજૂરી કરીને જે કમાય છે, તે બધું જ એકાદ કિલો ગેસ ખરીદવામાં ખર્ચાઈ જાય છે. રસોડામાં ચૂલો ન સળગતા અનેક પરિવારો બહારથી મોંઘા ભાવનું ખાવાનું ખરીદવા મજબૂર બન્યા છે, જે તેમના માસિક બજેટને વેરવિખેર કરી રહ્યું છે.
ગેસ એજન્સીઓની બહાર વહેલી સવારથી જ મહિલાઓની લાંબી કતારો જોવા મળે છે, પરંતુ કલાકોની પ્રતીક્ષા બાદ માત્ર નિરાશા જ હાથ લાગે છે. એજન્સી સંચાલકો માત્ર નામ અને નંબર લખીને ગ્રાહકોને રવાના કરી દે છે, પણ કોઈનો વારો આવતો નથી. પીડિત મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે, તેમનું કહેવું છે કે જો સરકાર આ કાળાબજાર રોકવામાં નિષ્ફળ રહેશે તો ગરીબ માણસ જીવશે કેવી રીતે? પ્રશાસનની ચૂપકીદી અને ગેસ માફિયાઓની સાંઠગાંઠે અત્યારે નોઈડાના સામાન્ય રહેવાસીઓનું જીવવું હરામ કરી દીધું છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
