<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ગિફ્ટ સિટીમાં ‘ગિફ્ટ ઇકોનોમિક ફોરમ ૨૦૨૬’નું ભવ્ય આયોજન : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’ ચેનલનો ડંકાની ચોટ પર કરાવ્યો શુભારંભ

ગુજરાતના આર્થિક રોડમેપ અને ગ્લોબલ ફાઇનાન્સ હબ તરીકેની ભૂમિકા પર રાજ્યના મંત્રીઓ અને નિષ્ણાતો વચ્ચે ગહન મંથન : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના રાજકીય અને ઔદ્યોગિક જગતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ગાંધીનગર: ગુજરાતના આર્થિક ગૌરવ સમાન ગિફ્ટ સિટી ખાતે સોમવારે ‘ન્યૂઝ કેપિટલ નેટવર્ક’ દ્વારા આયોજિત ‘ગિફ્ટ ઇકોનોમિક ફોરમ (GEF) ૨૦૨૬’ સંપન્ન થઈ હતી. આ પ્રતિષ્ઠિત મંચ પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ડંકાની ચોટ પર નેટવર્કની નવી આર્થિક ન્યૂઝ ચેનલ ‘ન્યૂઝ કેપિટલ માર્કેટ’નો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોએ ઉપસ્થિત રહી ગુજરાતના ભાવિ આર્થિક રોડમેપ વિશે મહત્વની ચર્ચાઓ કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સંબોધન:
નવી ચેનલના લોન્ચિંગ બાદ પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હળવા અંદાજમાં ગંભીર વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, “અત્યારે બિઝનેસમાં શેરબજાર ભલે ડાઉન હોય, પરંતુ જિંદગીની દરેક પળ આપણા હાથની બાજી ન હોય તો બહુ દુઃખી થવું નહીં. જે બાબત આપણા વશમાં નથી તેમાં ચિંતા છોડી સૌએ સાથે મળીને આગળ વધવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ આવે, આપણે ડર્યા વગર તેમાંથી બહાર નીકળવાનું છે. આપણે પહેલા પણ મુશ્કેલીઓ પાર કરી છે અને આગળ પણ મજબૂતીથી વધીશું.”

૧૦૦ ટકા પારદર્શકતા એ જ વિકાસનો પાયો - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી:
ફોરમની પ્રથમ પેનલ ડિસ્કશનમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોહન સારાભાઈ, શેખર પટેલ અને ગોકુલ જય શ્રીકૃષ્ણ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાત આજે ૧૦૦ ટકા પારદર્શકતાથી ચાલતું રાજ્ય છે અને આ જ પારદર્શકતાને કારણે ઉદ્યોગો અને રોકાણકારો માટે તે પ્રથમ પસંદગી બન્યું છે. રાજ્યની નીતિઓ તમામ માટે એકસમાન છે, જે મજબૂત પાયાનું નિર્માણ કરે છે.

વિવિધ વિષયો પર પેનલ ડિસ્કશન અને મહાનુભાવોના મંતવ્યો:

 * કેપિટલ માર્કેટ: ‘કોન્કરર ઓફ કેપિટલ માર્કેટ’ વિષય હેઠળ જૈનમ બ્રોકિંગ લિમિટેડના ફાઉન્ડર અને એમડી મિલન પરીખ, કુંવરજી ગ્રુપના ચેરમેન નયન કુંવરજી અને સ્ટેટ ફાઇનાન્સ કમિશનના પ્રમુખ યમલ વ્યાસે શેરબજારના ઐતિહાસિક સંદર્ભો સાથે બજારની ગતિશીલતા પર ચર્ચા કરી હતી.

 * આરોગ્ય અને લોકકલ્યાણ: ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું કે ડાયાબિટીસ, બીપી અને થેલેસેમિયા જેવા ગંભીર રોગો માટેની દવાઓ તેમજ ઇન્જેક્શનની વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. આ પેનલમાં વીરલ સીટવાલા અને ડૉ. ભરત પટેલ પણ જોડાયા હતા.

 * મહિલા સશક્તિકરણ: ‘ધ હ્યુમન બ્લ્યુપ્રિન્ટ’ વિષય પર મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનીષાબેન વકીલ અને આશાબેન વઘાસિયાએ મહિલાઓના સામાજિક યોગદાન વિશે વાત કરી હતી.

 * સ્થિર શાસન: કુટીર ઉદ્યોગ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ‘સ્ટેબલ ગવર્નન્સ’ પર સંવાદ કરતા જણાવ્યું કે આજના યુવાનો માટે ટ્રેન દ્વારા પાણી મોકલવાની જૂની સ્થિતિ સપના જેવી છે, જે પરિવર્તન સ્થિર શાસનને આભારી છે.

 * ગ્રીન એનર્જી: કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવીણ માળી અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ક્લાયમેટ ચેન્જ અને ગ્રીન એનર્જીના પડકારો વિશે ચર્ચા કરી હતી. અર્જુનભાઈએ પર્યાવરણમાં પોઝિટિવ ચેન્જીસ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

 * સહકારી ક્ષેત્ર: કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ દિનેશ કુંભાણી અને જ્યોતીન્દ્ર મહેતા સાથે ‘ધ કો ઓપરેટિવ કેટાલિસ્ટ’ વિષય પર વાત કરી હતી. તેમણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાના પ્રધાનમંત્રીના વિઝનને બિરદાવ્યું હતું.

પશુપાલન અને પર્યાવરણ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું માર્ગદર્શન:
કાર્યક્રમના અંતિમ ચરણમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ‘ધ મિલ્ડ મિલિયન્સ’ વિષય પર ગહન ચર્ચા કરી હતી. તેમણે આવનારા સમયમાં પશુપાલન ક્ષેત્રે વધતી જતી ગરમી (હીટ ટોલરન્સી), ઘાસચારો અને પશુ આહારની સમસ્યા વિશે ચેતવણી આપતા જણાવ્યું હતું કે આ પડકારોનો સામનો કરવા માટે અત્યારથી જ આયોજન કરવું અનિવાર્ય છે.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સહિતના અન્ય મહાનુભાવો અને બિઝનેસ જગતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(6:10 PM IST)