<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

બાસ્કેટબોલ કોર્ટ પર ખેલાડીનું ‘પરફેક્ટ લેન્ડિંગ’: બાસ્કેટ ફટકાર્યા બાદ સીધો ચીયરલીડરના ખોળામાં જઈ પડ્યો, વારંવાર માફી માંગતા સાથી ખેલાડીઓએ ખેંચીને મેદાનમાં લાવવો પડ્યો

લાસ વેગાસમાં ગોન્ઝાગા અને ઓરેગોન સ્ટેટ વચ્ચેની મેચનો વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે: સ્પેનિશ સ્ટાર મારિયો સેન્ટ-સુપરીની શરમજનક હાલત જોઈ ચાહકોએ લીધી મજા

લાસ વેગાસ : બાસ્કેટબોલની મેદાનમાં ક્યારેક રમત કરતા ખેલાડીઓની વિચિત્ર હરકતો હેડલાઇન્સ બની જતી હોય છે. લાસ વેગાસના ઓર્લિયન્સ એરેના ખાતે રમાઈ રહેલી ‘વેસ્ટ કોસ્ટ કોન્ફરન્સ ટુર્નામેન્ટ’ દરમિયાન આવી જ એક ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડિયો અત્યારે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. ગોન્ઝાગા બુલડોગ્સના યુવા સ્ટાર ખેલાડી મારિયો સેન્ટ-સુપરી બોલનો પીછો કરતા કરતા સીધો સામેની ટીમના ચીયરલીડર્સના ખોળામાં જઈ પડ્યો હતો.
કંટ્રોલ ગુમાવ્યો અને સીધો ચીયરલીડરના ખોળામાં!
ઘટના ત્યારે બની જ્યારે મારિયો એક લે-અપ શોટના પ્રયાસ બાદ જોરદાર ગતિમાં બેઝલાઇન તરફ બોલનો પીછો કરી રહ્યો હતો. ગતિ એટલી તેજ હતી કે તે પોતાને રોકી શક્યો નહીં અને કોર્ટસાઇડ એરિયામાં બેઠેલી ઓરેગોન સ્ટેટની ચીયરલીડર સાથે અથડાઈને સીધો તેના ખોળામાં લેન્ડ થયો. આ અણધારી ઘટનાથી ચીયરલીડર અને પોતે ખેલાડી પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
માફી માંગતા ખેલાડીને સાથીઓએ પરાણે ખેંચ્યો
આ અકસ્માત બાદ મારિયો ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો. તે વારંવાર પેલી ચીયરલીડરની માફી માંગી રહ્યો હતો અને ત્યાંથી ઊભો થવામાં તેને સંકોચ થઈ રહ્યો હતો. જોકે, રમત હજુ ચાલુ હતી, તેથી તેના સાથી ખેલાડીઓ જેલેન વોર્લી અને ગ્રેહામ ઇકે તરત જ ત્યાં પહોંચ્યા હતા. સાથી ખેલાડીઓએ તેને પરાણે હાથ પકડીને ઉપર ખેંચ્યો અને ફરીથી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોર્ટ પર પાછો લઈ આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ
સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થતા જ યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ તેને "પરફેક્ટ લેન્ડિંગ" ગણાવ્યું તો કેટલાકે મજાકમાં કહ્યું કે તે ચીયરલીડર સાથે ફ્લર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, મોટાભાગના લોકોએ ખેલાડીની વિનમ્રતાની પ્રશંસા કરી કે તેણે તરત જ માફી માંગી લીધી હતી.
કોણ છે મારિયો સેન્ટ-સુપરી?
સ્પેનના માલાગાના રહેવાસી મારિયો યુરોપિયન બાસ્કેટબોલનો ઉભરતો સ્ટાર છે. તે ૨૦૨૨માં FIBA U-16 યુરોપિયન ચેમ્પિયનશિપનો MVP રહી ચૂક્યો છે અને હાલમાં તે અમેરિકામાં ગોન્ઝાગા યુનિવર્સિટી માટે રમી રહ્યો છે. તેની રમતની સાથે સાથે હવે તેની આ ‘રોમેન્ટિક’ અકસ્માતની ક્ષણે તેને દુનિયાભરમાં લોકપ્રિય બનાવી દીધો છે.

(8:13 PM IST)