News of Wednesday, 11th March 2026
પંજાબ વિધાનસભામાં ‘મહિલા સન્માન’ મુદ્દે મહાસંગ્રામ: મુખ્યમંત્રી ભગવંત માન વિરુદ્ધ કોંગ્રેસનો નિંદા ઠરાવ, ગૃહમાં ભારે હોબાળો
ધારાસભ્ય સુખપાલ ખૈરાની ટિપ્પણી પર AAP આક્રમક, તો CM માનના નિવેદન પર વિપક્ષ લાલઘૂમ: શિરોમણી અકાલી દળના મહિલા ધારાસભ્ય રાષ્ટ્રીય મહિલા આયોગના દ્વાર ખટખટાવશે

ચંદીગઢ : પંજાબ વિધાનસભાનું બજેટ સત્ર અત્યારે રણમેદાનમાં ફેરવાઈ ગયું છે. મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને શાસક પક્ષ આમ આદમી પાર્ટી (AAP) અને વિરોધ પક્ષ કોંગ્રેસ સામસામે આવી ગયા છે. સતત બીજા દિવસે ગૃહમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સૂત્રોચ્ચાર જોવા મળ્યા હતા, જેના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
સુખપાલ ખૈરાની માફીની માંગ સાથે AAPનો વિરોધ
શૂન્યકાળ દરમિયાન નાણામંત્રી હરપાલ ચીમાએ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરા દ્વારા મહિલા લાભાર્થીઓ અને ‘બંધુઆ મજૂરો’ વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો સખત વિરોધ કર્યો હતો. AAPની મહિલા ધારાસભ્યો ગૃહના વેલમાં ધસી આવી હતી અને ખૈરાનું સભ્યપદ રદ કરવાની માંગ કરી હતી. સ્પીકર કુલતાર સિંહ સંધવાએ ખૈરાને માફી માંગવા કહ્યું હતું, પરંતુ ખૈરાએ માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના પગલે ગરમાગરમી વધી હતી.
કોંગ્રેસનો પલટવાર: CM વિરુદ્ધ નિંદા ઠરાવ
ખૈરાના બચાવમાં ઉતરેલી કોંગ્રેસે શાસક પક્ષ પર નિશાન સાધતા વળતો પ્રહાર કર્યો હતો. વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવાએ મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા મહિલાઓ વિશે અગાઉ કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે CM માન વિરુદ્ધ નિંદા ઠરાવ રજૂ કર્યો હતો, જોકે સ્પીકરે આ ઠરાવને ફગાવી દેતા કોંગ્રેસી ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
નેશનલ કમિશન ફોર વિમેન (NCW) સુધી પહોંચશે મામલો
આ વિવાદ માત્ર કોંગ્રેસ અને AAP પૂરતો મર્યાદિત રહ્યો નથી. શિરોમણી અકાલી દળના ધારાસભ્ય ગનીવ કૌર મજીઠિયાએ મુખ્યમંત્રી ભગવંત માન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ મુખ્યમંત્રી દ્વારા ઉપયોગમાં લેવાયેલી અપમાનજનક ભાષા બદલ રાષ્ટ્રીય મહિલા આયોગનો સંપર્ક કરશે. ગનીવ કૌરે સવાલ ઉઠાવ્યો હતો કે જો સરકાર ખરેખર મહિલાઓના ગૌરવની ચિંતા કરતી હોય, તો તેમણે મુખ્યમંત્રી સામેના ઠરાવનો વિરોધ કેમ કર્યો?
પંજાબના રાજકારણમાં ‘મહિલા ગૌરવ’ અત્યારે એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે, જેમાં સત્તાધારી અને વિપક્ષ બંને એકબીજા પર કાદવ ઉછાળવાની કોઈ તક છોડી રહ્યા નથી.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
