<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

IPL 2026: શું બેંગલુરુમાં રમાશે મેચ? ૧૧ લોકોના જીવ લેનારી નાસભાગ બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર સંકટના વાદળો, ૧૩ માર્ચે સરકાર લેશે અંતિમ નિર્ણય

ગયા વર્ષની ભયાનક દુર્ઘટના બાદ સ્ટેડિયમની સુરક્ષા પર ઉભા થયા મોટા સવાલો: નિષ્ણાત સમિતિ દ્વારા ‘મોક ડ્રિલ’ અને નિરીક્ષણ બાદ જ RCB ને પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવાની મળશે મંજૂરી

બેંગલુરુ : IPL 2026 ના પ્રથમ તબક્કાના શિડ્યુલની જાહેરાત સાથે જ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને લઈને અનિશ્ચિતતા યથાવત છે. ગયા વર્ષે સ્ટેડિયમમાં મચેલી ભયાનક નાસભાગમાં ૧૧ લોકોના કરૂણ મોત થયા હતા, જે બાદ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા કાયદાકીય તપાસ હેઠળ છે. હવે કર્ણાટક સરકાર ૧૩ માર્ચે નક્કી કરશે કે આ સ્ટેડિયમ આઈપીએલ મેચોના આયોજન માટે સલામત છે કે નહીં.
૧૧ મોત બાદ સુરક્ષા વ્યવસ્થાની આકરી કસોટી
લગભગ ૧૦ મહિના પહેલા સ્ટેડિયમમાં બનેલી તે જીવલેણ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, કર્ણાટક સરકારે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. BCCI દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક શેડ્યૂલમાં બેંગલુરુમાં બે ઘરેલું મેચો રાખવામાં આવી છે, પરંતુ આ મેચો યોજાશે કે નહીં તેનો સંપૂર્ણ આધાર ૧૩ માર્ચના નિરીક્ષણ રિપોર્ટ પર છે.
૧૩ માર્ચે થશે ‘મેચ-ડે’ મોક ડ્રીલ
IPL દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, નિષ્ણાત સમિતિ ૧૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની મુલાકાત લેશે. આ દરમિયાન સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને ભીડ નિયંત્રણ માટે ‘મેચ-ડે’ જેવી જ વ્યવસ્થાઓનું લાઈવ મોક પ્રદર્શન (Mock Drill) કરવામાં આવશે. જો સમિતિ સુરક્ષા વ્યવસ્થાથી સંતુષ્ટ થશે, તો જ સ્ટેડિયમને ક્લિયરન્સ આપવામાં આવશે.
RCB ના ચાહકોમાં ચિંતા
જો સરકાર દ્વારા સ્ટેડિયમને મંજૂરી આપવામાં નહીં આવે, તો RCB એ પોતાની ઘરેલું મેચો અન્ય કોઈ તટસ્થ સ્થળે રમવી પડી શકે છે. આ સમાચારથી બેંગલુરુના ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ હંમેશા RCB માટે ગઢ રહ્યું છે. હવે આખું ક્રિકેટ જગત ૧૩ માર્ચના સરકારના ચુકાદાની રાહ જોઈ રહ્યું છે.
શું સ્ટેડિયમ તેની સુરક્ષા ખામીઓ સુધારી શક્યું છે? તે આગામી ૪૮ કલાકમાં સ્પષ્ટ થઈ જશે.

(8:18 PM IST)