News of Wednesday, 11th March 2026
ઈરાન સાથેનું યુદ્ધ હવે ટૂંક સમયમાં જ સમાપ્ત થશે - રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત : ન્યુઝફર્સ્ટ
‘ઈરાનમાં હવે નિશાન બનાવવા જેવું કંઈ બાકી નથી, હું જ્યારે ઈચ્છીશ ત્યારે યુદ્ધ રોકાઈ જશે’ - એક્સિયોસને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પનો હુંકાર; અમેરિકી સેના હજુ બે સપ્તાહ સુધી સ્ટ્રાઈક ચાલુ રાખી શકે છે

વોશિંગ્ટન (ન્યુઝફર્સ્ટ):અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું છે. પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થા 'એક્સિયોસ' (Axios) ને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પે ડંકાની ચોટ પર કહ્યું હતું કે, "હું જ્યારે નક્કી કરીશ કે આ યુદ્ધ પૂરું કરવું છે, ત્યારે તે સમાપ્ત થઈ જશે."
ઈરાન પાસે હવે કંઈ જ બચ્યું નથી: ટ્રમ્પ:
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનની સૈન્ય ક્ષમતા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઈરાનમાં હવે વ્યવહારિક રીતે એવું કંઈ જ બાકી નથી જેને નિશાન બનાવી શકાય. તેમણે ઉમેર્યું કે, "ત્યાં હવે માત્ર અહીં-તહીં નાની-મોટી વસ્તુઓ જ બચી છે. ત્યાં સ્ટ્રાઈક કરવા માટે હવે લગભગ કંઈ જ બાકી રહ્યું નથી." ટ્રમ્પના આ નિવેદન પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે અમેરિકી હુમલાઓએ ઈરાનના સૈન્ય માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
હજુ બે સપ્તાહ ઓપરેશન ચાલુ રહેવાની શક્યતા:
રાષ્ટ્રપતિએ યુદ્ધ સમાપ્ત થવાની વાત કરી હોવા છતાં, બીજી તરફ ઈઝરાયેલ અને અમેરિકાના ટોચના અધિકારીઓ હજુ ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી ઈરાન વિરુદ્ધ ઓપરેશન ચાલુ રાખવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પના અંદાજિત ટાઈમલાઈન મુજબ, આ સંઘર્ષ માર્ચ મહિનાના અંત સુધી ખેંચાઈ શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના આગામી બે સપ્તાહ સુધી હુમલાઓ કરવા માટે સજ્જ છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાને બિછાવી દરિયાઈ સુરંગો:
દરમિયાન, અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં નેવલ માઈન્સ (દરિયાઈ સુરંગો) ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જોકે, ઈરાને અત્યાર સુધી કેટલી સંખ્યામાં આ માઈન્સ તૈનાત કરી છે તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. તેલ પરિવહન માટેના આ સૌથી મહત્વના જળમાર્ગમાં સુરંગો બિછાવવાના ઈરાનના પગલાથી પ્રાદેશિક તણાવ વધુ ઉગ્ર બનવાની દહેશત પણ સેવાઈ રહી છે.
વૈશ્વિક સ્તરે હવે સૌની નજર માર્ચ મહિનાના અંતિમ સપ્તાહો પર ટકેલી છે કે શું ખરેખર ટ્રમ્પની જાહેરાત મુજબ આ યુદ્ધનો અંત આવશે કે કેમ.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
