News of Wednesday, 11th March 2026
લખનૌમાં ગેસનો હાહાકાર: ૧,૦૦૦ ફેક્ટરીઓ તાળાબંધીના આરે, ૫૦,૦૦૦થી વધુ કામદારોની આજીવિકા પર લટકતી તલવાર
વાણિજ્યિક LPG ની અછતે પેકેજિંગ, ફાર્મા અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોની કમર તોડી: સરકારની ૮૦% પુરવઠાની ખાતરી પોકળ સાબિત થઈ, કાળાબજાર વધવાની ભીતિ

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અત્યારે એક મોટી ઔદ્યોગિક આપત્તિ તરફ ધકેલાઈ રહ્યું હોય તેમ જણાય છે. વાણિજ્યિક LPG સિલિન્ડરોની તીવ્ર અછતને કારણે રાજ્યની આશરે ૮૦૦ થી ૧,૦૦૦ ફેક્ટરીઓ બંધ થવાની અણી પર છે. આ કટોકટીને કારણે માત્ર ઉત્પાદન જ ખોરવાયું નથી, પરંતુ આ એકમોમાં કામ કરતા ૫૦,૦૦૦ થી વધુ શ્રમિકોના પરિવારો પર આર્થિક સંકટના વાદળો છવાયા છે.
ઉદ્યોગોનું ટકવું મુશ્કેલ: પેકેજિંગ અને ફાર્મા ક્ષેત્રને મોટો ફટકો
લખનૌમાં ખાસ કરીને પેકેજિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને નાસ્તા બનાવતા ઉદ્યોગો હીટિંગ પ્રક્રિયા માટે સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર છે. કાર્ટન બોક્સ બનાવતા એકમોમાં રોલર્સ ગરમ કરવા માટે ગેસની જરૂર પડે છે, જે અત્યારે મળવો અશક્ય બન્યો છે. તેવી જ રીતે, ફાર્મા કંપનીઓ જે દવાના સિરપ બનાવે છે અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ જે ચિપ્સ-બિસ્કિટ બનાવે છે, તેમને ઉત્પાદન ચાલુ રાખવા માટે હવે માત્ર એકાદ-બે દિવસનો જ સ્ટોક બચ્યો છે.
સરકારી જાહેરાત છતાં સ્થિતિ ગંભીર
ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જણાવ્યા મુજબ, સરકારે ઔદ્યોગિક ગ્રાહકોને ૮૦ ટકા ગેસ પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપી હતી, પરંતુ જમીની હકીકત અલગ છે. બે દિવસ પહેલા કરેલા બુકિંગની પણ ડિલિવરી મળી રહી નથી. ગેસ એજન્સીઓ ઉપરથી પુરવઠો પ્રતિબંધિત હોવાનું જણાવી રહી છે, જેના કારણે બજારમાં કાળાબજાર વધવાની પણ શક્યતા છે.
PNG કનેક્શન ધરાવતા એકમો સુરક્ષિત
આ કપરા સમયમાં જે કંપનીઓ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) સાથે જોડાયેલી છે, જેમ કે અમૂલ, અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સના કેટલાક મોટા વેન્ડરો, તેમને ઓછી અસર પડી છે. પરંતુ જે નાના ઉદ્યોગો સિલિન્ડર પર આધાર રાખે છે, તેમની હાલત અત્યંત દયનીય છે. ચિન્હટ ઔદ્યોગિક વિસ્તારમાં ઓટો પાર્ટ્સ બનાવતા એકમોએ હવે ડીઝલ આધારિત મશીનો પર શિફ્ટ થવાનું અથવા કામચલાઉ ધોરણે ફેક્ટરી બંધ કરવાનું વિચારી રહ્યા છે.
ઉદ્યોગપતિઓના મતે જો આગામી ૨૪ કલાકમાં ગેસનો પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે, તો લખનૌના ઔદ્યોગિક વિસ્તારોમાં સન્નાટો છવાઈ જશે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
