તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૨ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
તેલના ભાવમાં 'ભડકો': ઈરાનની ખુલ્લી ધમકીથી દુનિયા સ્તબ્ધ, અમેરિકા સુધી તેલનું એક ટીપું પણ પહોંચવા નહીં દઈએ!
હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધના વાદળો વચ્ચે ક્રૂડ ઓઇલ 200 ડોલર ના આંકડાને આંબી જવાની ભીતિ: તેહરાનના લશ્કરી કમાન્ડરે દુશ્મન દેશોના ટેન્કરોને 'ટાર્ગેટ' બનાવવાની આપી ચેતવણી, વૈશ્વિક શેરબજારોમાં મચ્યો હાહાકાર

નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્ર પર અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ઈરાનના ખાતમ અલ-અંબિયા લશ્કરી કમાન્ડના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલફકરીએ એક ભયાનક ધમકી આપીને સમગ્ર વિશ્વમાં આંચકાના મોજા ફેલાવી દીધા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઈરાન હવે માત્ર વળતો હુમલો જ નહીં કરે, પરંતુ અમેરિકા અને તેના સહયોગી દેશો સુધી તેલનું એક લિટર પણ પહોંચવા દેશે નહીં. ઈરાની કમાન્ડરે ચેતવણી આપી છે કે પશ્ચિમી દેશો સાથે સંકળાયેલું કોઈપણ જહાજ કે ટેન્કર હવે ઈરાની મિસાઈલોનું 'વેલિડ ટાર્ગેટ' હશે. આ નિવેદને સાબિત કરી દીધું છે કે હોર્મુઝ સ્ટ્રેટ , જે વિશ્વના તેલ વેપારની જીવનરેખા છે, તે હવે ગમે ત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ શકે છે.
આ ધમકીની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી છે, જ્યાં તેલના ભાવ રોકેટની ગતિએ વધવા લાગ્યા છે. પ્રવક્તાએ દુનિયાને ચેતવણી આપી છે કે જો પ્રાદેશિક સુરક્ષા જોખમાશે તો એક બેરલ તેલની કિંમત 200 ડોલર સુધી પહોંચવા માટે તૈયાર રહેવું પડશે. અત્યારે જ બ્રેન્ટ ક્રૂડ 4% વધીને 91 ડોલરના સ્તરને વટાવી ગયું છે, જ્યારે યુએસ બેન્ચમાર્ક WTI પણ 87 ડોલર ની આસપાસ પહોંચી ગયું છે. ઉર્જા નિષ્ણાતો માની રહ્યા છે કે જો ઈરાન ખરેખર સમુદ્રી માર્ગો બ્લોક કરશે, તો વિશ્વભરમાં ઈંધણના ભાવમાં એવો ઉછાળો આવશે જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હશે. અમેરિકા તેલના ભાવને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જશે તેવી ઈરાની જાહેરાતે પશ્ચિમી દેશોની ચિંતામાં વધારો કર્યો છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી સ્થિતિને કાબૂમાં લેવા માટે વિવિધ દેશોના વ્યૂહાત્મક ભંડારમાંથી 400 મિલિયન બેરલ તેલ બજારમાં છોડવાની યોજના બનાવી રહી છે. જોકે, બજારના વિશ્લેષકો માને છે કે ઈરાન તરફથી મળતી ધમકીઓ એટલી ગંભીર છે કે આ ભંડાર પણ તેલના ભાવમાં આવનારા 'સુનામી' ને રોકવા માટે પૂરતા નહીં હોય. મધ્ય પૂર્વમાં વધતા જતા આ તણાવને કારણે ભારત જેવા આયાત નિર્ભર દેશો માટે પણ ખતરો વધી ગયો છે. હવે આખી દુનિયાની નજર અમેરિકા અને ઈરાન વચ્ચેના આ 'કોલ્ડ વોર' પર છે, જે ગમે ત્યારે વૈશ્વિક આર્થિક મહામંદીમાં ફેરવાઈ શકે છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
