<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાએ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા : કેરળના એક મંદિરમાં લીધા સાત ફેરા.

કોર્ટ મેરેજ બાદ મંદિરમાં હિન્દુ વિધિથી કર્યા લગ્ન :પિતા દ્વારા મળતી ધમકીઓ બાદ માંગી પોલીસ સુરક્ષા: દોઢ વર્ષના પ્રેમ સંબંધને લગ્નમાં ફેરવતી અભિનેત્રી

નવી દિલ્હી :વર્ષ 2025માં પ્રયાગરાજ મહાકુંભ મેળા દરમિયાન રુદ્રાક્ષ અને માળા વેચતી વખતે વાયરલ થયેલી મોનાલિસા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. 'ધ મણિપુર ડાયરી' ફેમ અભિનેત્રી મોનાલિસાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા છે. આ લગ્ન કોઈ સાધારણ સમારંભ નહોતો, કારણ કે મોનાલિસાએ તેના પરિવારના સખત વિરોધ છતાં આ ડગલું ભર્યું છે. 

સામે આવેલા વીડિયોમાં મોનાલિસા અને ફરમાન ખાન કોર્ટમાં મેરેજ સર્ટિફિકેટ સાથે જોવા મળી રહ્યા છે. સિવિલ મેરેજ બાદ આ કપલે કેરળના તિરુવનંતપુરમ સ્થિત અરુમનૂર નૈનાર મંદિરમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કર્યા હતા. લાલ બનારસી સાડી અને માંગમાં સિંદૂર સજાવેલી મોનાલિસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ફરમાન તેને મંગળસૂત્ર પહેરાવતો જોઈ શકાય છે. 

   મોનાલિસા અને ફરમાન છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતા. જોકે, અલગ-અલગ ધર્મ હોવાના કારણે મોનાલિસાના પિતા જય સિંહ ભોંસલે આ સંબંધની વિરુદ્ધમાં હતા. અભિનેત્રીએ આક્ષેપ કર્યો છે કે પરિવાર તરફથી તેના પર દબાણ કરવામાં આવતું હતું અને ધમકીઓ પણ મળી રહી હતી. આથી જ તેણે સુરક્ષા માટે કેરળ પસંદ કર્યું અને પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરી છે

મોનાલિસાની સફર ખૂબ જ રસપ્રદ રહી છે. મહાકુંભમાં રુદ્રાક્ષ વેચતા તેના ફોટા વાયરલ થયા બાદ તેને ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. જોકે, પ્રસિદ્ધિની સાથે વિવાદો પણ જોડાયેલા રહ્યા હતા. હવે લગ્ન બાદ તેની અંગત જિંદગીએ નવો વળાંક લીધો છે. 

(11:25 PM IST)