News of Thursday, 12th March 2026
ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોની ઝપાઝપીઃ યુવકને જમીન પર પછાડયોઃ ગળુ દબાવ્યું
એક ગેસ એજન્સી પર ભારે હોબાળો : સિલિન્ડર લેવા માટે લાઈનમાં ઉભેલા ગ્રાહકો વચ્ચે મારામારી થઈ હતીઃ જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ

ગોરખપુર તા.૧૨: તમે પાણી માટે, રસ્તા માટે અથવા તો કોઈ સામાન્ય વાતે એક બીજાને માથાકૂટ કે ઝઘડતા જોયા હશે, પરંતુ ક્યારેય સિલિન્ડર માટે ઝઘડતા જોયા છે? આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં, જ્યાં ગેસની ભારે અછત સર્જાઈ હોય એવું જોવા મળી રહ્યું છે. કારણ કે એક ગેસ એજન્સી પર સિલિન્ડર લેવા માટે લાઇનમાં ઊભેલા ગ્રાહકો વચ્ચે મારામારી થઈ હતી.
ગોરખપુરની એક ગેસ એજન્સી પર ભારે હોબાળો મચી ગયો. પીપીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આશિષ ઇન્ડેન ગેસ એજન્સી પર સવારે લગભગ ૯:૩૦ વાગ્યાની આસપાસ ગેસ સિલિન્ડર લેવા આવેલા ગ્રાહકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. લાઇનમાં જબરદસ્તી ઘૂસવાનો પ્રયાસ કરતા બે યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં તો બંને મારામારી પર આવી ગયા હતા.
જાણવા મળતી માહિતી મુજબ, પીપીગંજમાં ગેસ સિલિન્ડર માટે વહેલી સવારથી જ લાંબી લાઇનો લાગી જાય છે. વિવાદ ત્યારે થયો જ્યારે કેટલાક લોકોએ લાઇન તોડીને વચ્ચે ઘૂસવાનો પ્રયત્ન કર્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિવાદ એટલો વધી ગયો કે એક યુવાને બીજા યુવાનને જમીન પર પછાડીને માર માર્યો હતો. ડ્યુટી પર રહેલા પોલીસકર્મીઓએ કડક ચેતવણી આપી અને બંનેને છૂટા પાડ્યા હતા. હવે એજન્સી પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાની સાવચેતી રાખવામાં આવી રહી છે જેથી વિતરણ પ્રક્રિયા સરળતાથી ચાલી શકે.
ઉત્તર પ્રદેશના ખાદ્ય અધિકારીઓએ સ્થળ પર પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી છે. મળતી માહિતી મુજબ, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને કોટામાં થયેલા ઘટાડાને કારણે ગેસની અછત સર્જાઈ છે. પીપીગંજની આ એજન્સી પર લગભગ ૩૦,૦૦૦ ગ્રાહકો રજિસ્ટર્ડ છે, પણ, માગની સરખામણીમાં સપ્લાય ખૂબ જ ઓછો છે. આ અછતને કારણે ગ્રાહકોની ધીરજ ખૂટી રહી છે અને વારંવાર વિવાદની સ્થિતિ સર્જાઈ રહી છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
