<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

સંસદમાં ‘સિલિન્‍ડર સંગ્રામ': LPG અછત મુદ્દે વિપક્ષના પ્રહારઃ રાહુલ ગાંધી મેદાનમાં

‘મોદીજી એલપીજી'ના નારા સાથે વિપક્ષનો હોબાળોઃ સંસદ પરિસરમાં દેખાવો

નવી દિલ્‍હી, તા.૧૨: પશ્ચિમ એશિયાના યુદ્ધની આંચ હવે ભારતના સંસદ ભવન સુધી પહોંચી ગઈ છે. દેશના અનેક શહેરોમાં LPG સિલિન્‍ડરની સર્જાયેલી અછતને મુદ્દે વિપક્ષી દળોએ આજે સંસદના મકર ગેટ પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી સાંસદોએ હાથમાં ગેસ સિલિન્‍ડરના પ્‍લેકાર્ડ્‍સ લઈને મોદી જી એલપીજીના નારા લગાવ્‍યા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું કે, પીએમ જનતાને ગભરાવાની ના પાડે છે પણ હકીકતમાં સરકાર પોતે જ આંતરરાષ્‍ટ્રીય દબાણ હેઠળ ગભરાયેલી જણાય છે. વિપક્ષનો આરોપ છે કે સામાન્‍ય જનતા રસોઈ ગેસ માટે વલખાં મારી રહી છે અને સરકાર માત્ર આશ્વાસનો આપી રહી છે.બીજી તરફ, જમીની હકીકત ગંભીર ચિત્ર રજૂ કરી રહી છે. ઉત્તર પ્રદેશના નોઈડા અને બલિયા જેવા શહેરોમાં લોકો રાત્રે ૨ વાગ્‍યાથી ગેસ એજન્‍સીઓ બહાર લાંબી કતારોમાં ઉભા રહી રહ્યા છે. નોઈડાના હરોલામાં અડધો કિલોમીટર લાંબી લાઈનોના દ્રશ્‍યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જ્‍યાં કલાકોની રાહ જોયા બાદ પણ અનેક લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં કોમર્શિયલ ગેસની તંગીને કારણે અનેક હોટેલો અને રેસ્‍ટોરન્‍ટ્‍સના ચૂલા ઓલવાઈ ગયા છે. જોકે, સરકાર સતત દાવો કરી રહી છે કે દેશમાં ગેસનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ છે, પરંતુ લોજિસ્‍ટિક્‍સ અને પヘમિ એશિયાના તણાવને કારણે વિતરણમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.આ કટોકટી વચ્‍ચે રાહતના સમાચાર આપતા કેન્‍દ્રીય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન મોદીએ વ્‍યક્‍તિગત રીતે વિવિધ દેશો સાથે વાતચીત કરીને હોર્મુઝ સ્‍ટ્રેટમાં ભારતીય જહાજો માટે રસ્‍તો સાફ કરાવ્‍યો છે. તેમણે ખાતરી આપી હતી કે ભારત માટે વધારાનો  LPG પુરવઠો મેળવવાના માર્ગો ખુલી ગયા છે અને ટૂંક સમયમાં સ્‍થિતિ સામાન્‍ય થઈ જશે. રાજદ્વારી સંવેદનશીલતાને કારણે તમામ વિગતો જાહેર ન કરતા તેમણે ઉમેર્યું કે ભારતની તૈયારીઓ અન્‍ય દેશો કરતા ઘણી સારી છે. હવે જોવાનું એ રહેશે કે હોર્મુઝથી નીકળેલા ભારતીય ટેન્‍કરો પુષ્‍પક અને પરિમલ કયારે ભારતીય બંદરે પહોંચે છે અને જનતાને આ લાંબી કતારોમાંથી મુક્‍તિ મળે છે.

(4:08 PM IST)