<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

વિશ્વના અનેક દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી : ઇન્ડિયન ગેસનું આખું નેટવર્ક જોખમાયું : ગેસ બુકિંગ માટેના કોલ્સમાં સામાન્ય દિવસો કરતા 8 થી 10 ગણો વધારો થતાં કંપનીનું સર્વર ઠપ્પ થઈ ગયું

ઓનલાઈન એપ, વેબસાઈટ અને ફોન દ્વારા બુકિંગ ન થતાં લોકોનો ગભરાટ વધ્યો હતો અનેક શહેરોમાં લોકો સીધા ગેસ એજન્સીના દફતરે પહોંચી ગયા હતા જેના કારણે ત્યાં વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી

નવી દિલ્હી તા.૧૨ : વિશ્વના અનેક દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી છે. ગેસ સપ્લાય ખોરવાઈ જવાના ડરથી લોકોએ જે રીતે એકસાથે ગેસ બુકિંગ કરવાનું શરૂ કર્યું, તેનાથી ઇન્ડિયન ગેસનું આખું નેટવર્ક જોખમાયું છે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, ગેસ બુકિંગ માટેના કોલ્સમાં સામાન્ય દિવસો કરતા 8 થી 10 ગણો વધારો થતાં કંપનીનું સર્વર ઠપ્પ થઈ ગયું હતું.

 

શા માટે સર્જાઈ આવી સ્થિતિ?

આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવને કારણે લોકોમાં એવી ફાળ પડી છે કે આગામી સમયમાં રાંધણ ગેસની અછત સર્જાઈ શકે છે. આ 'પેનિક બુકિંગ'ને કારણે ઇન્ડિયન ગેસના IVRS નંબર અને મિસ્ડ કોલ સર્વિસ પર કોલ્સનો ભરાવો થઈ ગયો. સિસ્ટમની ક્ષમતા કરતા અનેકગણા વધુ કોલ્સ આવવાને કારણે ટેકનિકલ ખામી સર્જાઈ અને સિસ્ટમ ક્રેશ થઈ ગઈ. કંપનીએ પણ સ્વીકાર્યું છે કે અચાનક વધેલા ટ્રાફિકને કારણે ગ્રાહકોને બુકિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

 

એજન્સીઓ પર લાગી લાંબી કતારો

ઓનલાઈન એપ, વેબસાઈટ અને ફોન દ્વારા બુકિંગ ન થતાં લોકોનો ગભરાટ વધ્યો હતો. અનેક શહેરોમાં લોકો સીધા ગેસ એજન્સીના દફતરે પહોંચી ગયા હતા, જેના કારણે ત્યાં વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. ગ્રાહકોની ફરિયાદ છે કે ડિજિટલ પ્લેટફોર્મ કામ ન કરવાને કારણે તેમને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.

 

સરકારનો નવો નિયમ: હવે 25 દિવસની રાહ જોવી પડશે

પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ગેસનો સંગ્રહખોરી અટકાવવા માટે સરકારે બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકો એક સિલિન્ડર લીધા પછી બીજું સિલિન્ડર બુક કરવા માટે ઓછામાં ઓછા 25 દિવસ સુધી રાહ જોવી પડશે. અગાઉ આ મર્યાદા 21 દિવસની હતી. સરકારનું કહેવું છે કે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે.

(4:04 PM IST)