<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

અમેરિકાના વિઝા નિયમોમાં ફેરફારથી ગ્રામીણ શાળાઓની કમ્મર તૂટી: ટ્રમ્પ સરકારની નવી નીતિઓને કારણે આંતરરાષ્ટ્રીય શિક્ષકોએ છોડવું પડશે અમેરિકા

H-1B વિઝા પર $100,000 ની તોતિંગ ફી લાદવામાં આવતા શિક્ષણ ક્ષેત્રે સ્ટાફિંગની અછત વકરી; જમૈકા અને ફિલિપાઇન્સના શ્રેષ્ઠ શિક્ષકો સ્વદેશ પરત ફરવા મજબૂર

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રેશન અંગેના કડક પગલાંની સીધી અસર હવે ગ્રામીણ વિસ્તારોના શિક્ષણ પર પડી રહી છે. અમેરિકાના અનેક ગ્રામીણ જિલ્લાઓ, જે વર્ષોથી ભારત, ફિલિપાઇન્સ અને જમૈકા જેવા દેશોના શિક્ષકો પર નિર્ભર છે, તેઓ હવે સ્ટાફિંગની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા પર $100,000 (અંદાજે 83 લાખ રૂપિયા) ની નવી ફી લાદવામાં આવતા ગરીબ અને ગ્રામીણ શાળા જિલ્લાઓ માટે વિદેશી શિક્ષકોને રાખવા અશક્ય બની ગયા છે.
ગરીબ જિલ્લાઓના શિક્ષણ પર ખતરો
દક્ષિણ કેરોલિનાના એલેન્ડેલ કાઉન્ટી જેવા જિલ્લાઓમાં એક ચતુર્થાંશ (25%) શિક્ષકો વિદેશી છે. સુપરિન્ટેન્ડેન્ટ વેલેરી કેવે દુઃખ સાથે જણાવ્યું કે, "મારા કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોને તેમના દેશોમાં પાછા ફરવાની ફરજ પડી રહી છે." ગ્રામીણ શાળાઓ પહેલાથી જ અમેરિકન શિક્ષકોને આકર્ષવામાં નિષ્ફળ જાય છે કારણ કે ત્યાં રહેવા, ખરીદી અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોય છે. હવે વિઝા ફીમાં થયેલો આ અસહ્ય વધારો 'પડતા પર પાટું' સમાન સાબિત થયો છે.
H-1B વિઝા ફી અને કાયદાકીય લડાઈ
વ્હાઇટ હાઉસે દલીલ કરી હતી કે આ ફી અમેરિકન કર્મચારીઓને બચાવવા માટે છે, પરંતુ શિક્ષણ સંઘોનું કહેવું છે કે 500 થી વધુ શાળા જિલ્લાઓમાં 2,300 થી વધુ વિદેશી શિક્ષકો અત્યંત મહત્વના વિષયો જેવા કે ગણિત અને વિજ્ઞાન શીખવે છે. આ નીતિને પડકારતા 20 રાજ્યોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમનું કહેવું છે કે આટલી મોટી રકમ ચૂકવવી શાળાઓ માટે સંભવ નથી, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડશે.
વર્ચ્યુઅલ શિક્ષણ અને સ્થાનિક વિકલ્પો
શિક્ષકોની અછતને કારણે ઘણી શાળાઓ હવે 'વર્ચ્યુઅલ લર્નિંગ' તરફ વળી રહી છે. એલેન્ડેલ કાઉન્ટીમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસે છે પરંતુ શિક્ષક વિડિયો ચેટ દ્વારા ભણાવે છે. કેટલીક શાળાઓ બિન-પ્રમાણિત પ્રશિક્ષકોને રાખવા અથવા મહત્વના વિષયોને અભ્યાસક્રમમાંથી પડતા મૂકવા જેવા જોખમી નિર્ણયો પણ લઈ રહી છે. ઉત્તર કેરોલિનાની હેલિફેક્સ કાઉન્ટીમાં તો 159 માંથી 103 શિક્ષકો વિદેશી છે, જે દર્શાવે છે કે આ શાળાઓ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય ટેલેન્ટ પર ટકેલી છે.
ટ્રમ્પ વહીવટીતંત્રની આ નીતિઓને કારણે ગ્રામીણ અમેરિકાના ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે અંધકારમય જણાઈ રહ્યું છે. જો સરકાર આ ફીમાં મુક્તિ નહીં આપે, તો આગામી શૈક્ષણિક સત્રમાં હજારો વર્ગખંડો શિક્ષકો વગરના ખાલી જોવા મળી શકે છે.

(6:42 PM IST)