<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

રશ્મિકા મંદાનાનો રૌદ્ર અવતાર: માતા સાથેની જૂની ઓડિયો ક્લિપ વાયરલ કરનારાઓને આપી ૨૪ કલાકની મહેતલ; કાયદેસરની કાર્યવાહીની આપી ચેતવણી

વિજય દેવેરાકોન્ડા સાથેના લગ્ન બાદ જૂની સગાઈ અને ઉત્પીડનના મુદ્દે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ; "હવે સહનશીલતાની હદ આવી ગઈ છે" કહી અભિનેત્રીએ મૌન તોડ્યું

મુંબઈ: ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાના અત્યારે પોતાના લગ્નના આનંદ માણી રહી છે, પરંતુ તેની વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપે ભારે વિવાદ જગાડ્યો છે. રશ્મિકા અને અભિનેતા વિજય દેવેરાકોન્ડા ના ફેબ્રુઆરી ૨૦૨૬ માં થયેલા લગ્ન બાદ, તેની માતા સુમન મંદાનાની એક જૂની ઓડિયો ક્લિપ ઈન્ટરનેટ પર પ્રસારિત કરવામાં આવી રહી છે. આ મામલે રશ્મિકાએ હવે લાલ આંખ કરી છે અને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
શું છે ઓડિયો ક્લિપનો વિવાદ?
વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપ લગભગ આઠ વર્ષ જૂની હોવાનું કહેવાય છે. જેમાં રશ્મિકાની માતા સુમન, રશ્મિકાની પૂર્વ સગાઈ (રક્ષિત શેટ્ટી સાથે) દરમિયાન થયેલા કથિત ઉત્પીડન વિશે વાત કરતી સંભળાય છે. રશ્મિકા અને રક્ષિતે ૨૦૧૭ માં સગાઈ કરી હતી, જે ૨૦૧૮ માં પરસ્પર સંમતિથી તોડી નાખવામાં આવી હતી. હવે રશ્મિકાના નવા જીવનની શરૂઆત સમયે જ આ જૂની વાતચીતને સંદર્ભની બહાર રજૂ કરીને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રશ્મિકાનું સત્તાવાર નિવેદન: "હું એક સીમા દોરું છું"
રશ્મિકાએ સોશિયલ મીડિયા પર એક લાંબુ નિવેદન જારી કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેણે જણાવ્યું કે, "છેલ્લા ૮ વર્ષથી મીડિયાનો એક વર્ગ અને કેટલાક લોકો મને નિશાન બનાવી રહ્યા છે. મેં અત્યાર સુધી ધીરજ અને મૌન જાળવ્યું હતું, પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં જે બન્યું છે તેણે મર્યાદા પાર કરી દીધી છે. કોઈની સંમતિ વિના રેકોર્ડ કરાયેલી ખાનગી વાતચીતને આ રીતે વાયરલ કરવી એ ગોપનીયતા પર ગંભીર આક્રમણ છે." તેણે ઉમેર્યું કે આ વિવાદમાં તેના પરિવાર અને નિર્દોષ લોકોને ખેંચવામાં આવ્યા છે જે અત્યંત દુઃખદ છે.
૨૪ કલાકનું અલ્ટીમેટમ અને કાનૂની કાર્યવાહી
અભિનેત્રીએ સોશિયલ મીડિયાના પ્રભાવકો (Influencers), ડિજિટલ પ્લેટફોર્મ્સ અને મીડિયા સંગઠનોને સ્પષ્ટ ચેતવણી આપી છે. રશ્મિકાએ લખ્યું છે કે, "આ નિવેદન બાદ તમારી પાસે ૨૪ કલાકનો સમય છે. જો આ બદનક્ષીભરી સામગ્રી હટાવવામાં નહીં આવે, તો આવતીકાલથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને કાનૂની નોટિસ જારી કરવામાં આવશે." રશ્મિકાએ સ્પષ્ટ કર્યું છે કે હવે તે પોતાના ગૌરવ અને શાંતિ માટે અવાજ ઉઠાવવામાં પીછેહઠ નહીં કરે.
એક તરફ રશ્મિકા પોતાના લગ્નના સુંદર ફોટા શેર કરી રહી છે, ત્યારે બીજી તરફ આ કાનૂની જંગે બોલીવુડ અને સાઉથ સિનેમામાં ચર્ચાઓ જગાવી છે. ચાહકો પણ આ મામલે રશ્મિકાને સમર્થન આપી રહ્યા છે.

(6:48 PM IST)