News of Thursday, 12th March 2026
સંસદમાં : રાહુલ ગાંધીએ હરદીપ પુરીનું નામ 'એપસ્ટેઇન ફાઇલ્સ' સાથે જોડતા લોકસભામાં ભારે અંધાધૂંધી
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ઊર્જા કટોકટી પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ રશિયા પાસેથી તેલ ખરીદવાની નીતિ પર ઉઠાવ્યા સવાલ: વિદેશી દબાણ અને નાણાકીય વ્યવહારોના દસ્તાવેજો બતાવતા સ્પીકર ઓમ બિરલા લાલચોળ : કાર્યવાહીમાંથી શબ્દો દૂર કરાયા

નવી દિલ્હી: લોકસભામાં રાજકીય ગરમાવા સાથે આથમી, જ્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ દેશની ઊર્જા સુરક્ષા અને ઈરાન યુદ્ધ પર બોલતા-બોલતા અચાનક કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પર વ્યક્તિગત પ્રહારો શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ભારતમાં એલપીજી અને તેલના ભાવ વધવાની ચિંતા વ્યક્ત કરતા રાહુલે સીધો સવાલ કર્યો કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના પોતાના નિર્ણયમાં અમેરિકાના દબાણ હેઠળ કેમ છે? તેમણે ભારતની વ્યૂહાત્મક સ્વતંત્રતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે આપણી ઉર્જા નીતિ કોઈ ત્રીજો દેશ નક્કી ન કરી શકે. જોકે, વિવાદ ત્યારે વકર્યો જ્યારે તેમણે 'એપસ્ટેઇન ફાઇલ્સ'નો ઉલ્લેખ કરી મંત્રીના પરિવાર પર આક્ષેપો કર્યા.
રાહુલ ગાંધીએ જ્યારે સંસદમાં એક દસ્તાવેજ લહેરાવ્યો અને દાવો કર્યો કે તેમની પાસે મંત્રીના પરિવાર સાથે સંકળાયેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના પુરાવા છે, ત્યારે સત્તાધારી પક્ષના સાંસદોએ જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. વાતાવરણ એટલું તંગ બની ગયું કે સ્પીકર ઓમ બિરલાએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો. સ્પીકરે કડક શબ્દોમાં રાહુલને યાદ અપાવ્યું કે સંસદ નિયમોથી ચાલે છે અને જે વિષય પર નોટિસ આપવામાં આવી હોય તેના સિવાય અન્ય કોઈ ગંભીર આક્ષેપો પૂર્વ મંજૂરી વિના કરી શકાય નહીં. ઓમ બિરલાએ રાહુલ ગાંધીને મર્યાદામાં રહેવા અને નિર્ધારિત વિષય પર જ બોલવા માટે વારંવાર ટકોર કરી હતી.
આ હોબાળાને કારણે ગૃહની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પડ્યો હતો અને અંતે સ્પીકરે રાહુલ ગાંધી દ્વારા હરદીપ સિંહ પુરી અને એપસ્ટેઇન ફાઇલ્સ અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને સંસદના રેકોર્ડમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો. ભાજપના નેતાઓએ આ ઘટનાને દેશના સન્માન સાથે રમત ગણાવી છે, જ્યારે કોંગ્રેસે તેને સત્ય દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં હવે આ 'એપસ્ટેઇન કનેક્શન' અને તેલ નીતિ પરના આક્ષેપોને લઈને નવી ચર્ચા છેડાઈ છે, જેની અસર આગામી દિવસોમાં સંસદના કામકાજ પર જોવા મળી શકે છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
