હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો લલકાર: "શહીદોના લોહીના એક-એક ટીપાનો બદલો લેવાશે"
પિતા અલી ખામેનીના ઉત્તરાધિકારી તરીકે સત્તા સંભાળતા જ મોજતબાએ અમેરિકાને આપી સીધી ચેતવણી: હોર્મુઝ ખુલ્લુ રાખવા છતાં તમામ યુએસ સૈન્ય મથકો પર ભીષણ હુમલા ચાલુ રાખવાની સત્તાવાર જાહેરાતથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા

તેહરાન:ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ મોજતબા ખામેનીએ વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી છે. પોતાના પ્રથમ સત્તાવાર સંદેશમાં તેમણે અત્યંત આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પોતાના શહીદો અને નિર્દોષ બાળકોના મૃત્યુનો બદલો લેવા માટે મક્કમ છે. પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મોજતબાએ જાહેરાત કરી છે કે કોઈપણ શહાદત એળે નહીં જાય અને દુશ્મનોએ આની ભારે કિંમત ચૂકવવી પડશે. આ નિવેદને પશ્ચિમી દેશો અને ખાસ કરીને ઈઝરાયેલ-અમેરિકા છાવણીમાં ચિંતા વધારી દીધી છે.
વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ બાબતે મોજતબાએ મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને બંધ કરીને વૈશ્વિક વેપારને નુકસાન પહોંચાડવા માંગતું નથી, પરંતુ મધ્ય પૂર્વમાં સ્થિત તમામ અમેરિકી સૈન્ય મથકો પર હુમલાઓ ચાલુ રહેશે. તેમનો આદેશ છે કે જ્યાં સુધી અમેરિકા આ પ્રદેશમાંથી તેના તમામ સૈન્ય બેઝ ખાલી નહીં કરે, ત્યાં સુધી ઈરાની મિસાઈલો અને ડ્રોનનો મારો અટકશે નહીં. આ જાહેરાત સીધો સંકેત આપે છે કે આગામી દિવસોમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલાની તીવ્રતામાં વધારો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોજતબા ખામેનીની નિયુક્તિનો વિરોધ કર્યો હતો, તેમ છતાં ઈરાને તેમને સર્વોચ્ચ પદ સોંપીને વ્હાઈટ હાઉસને પડકાર ફેંક્યો છે. મોજતબાને તેમના પિતા કરતાં પણ વધુ કટ્ટરપંથી માનવામાં આવે છે, જેમના નેતૃત્વમાં ઈરાન હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક વિદેશ નીતિ અપનાવી રહ્યું છે. હવે આખી દુનિયાની નજર અમેરિકાના પલટવાર પર છે, કારણ કે ઈરાનના આ નવા તેવર મધ્ય પૂર્વના યુદ્ધને એક ભયાનક વળાંક આપી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
