પરમાણુ હથિયાર મેળવતા ઈરાનને રોકવું એ જ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા: પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને પરમાણુ હથિયારો બનાવતું અટકાવવું અને મધ્ય પૂર્વ સહિત સમગ્ર વિશ્વને વિનાશથી બચાવવું એ તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે તેલના વધતા ભાવો અંગે પણ નિવેદન આપ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ખાડી દેશોમાં પ્રવર્તી રહેલી તંગદિલી વચ્ચે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમેરિકા માટે આર્થિક ફાયદાઓ કરતાં વૈશ્વિક સુરક્ષા વધારે મહત્વની છે. પોતાની સત્તાવાર પોસ્ટમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે લખ્યું છે કે, અમેરિકા વિશ્વમાં સૌથી મોટું ક્રૂડ ઓઇલ ઉત્પાદક રાષ્ટ્ર છે, આથી જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવો વધે છે, ત્યારે અમેરિકા ખૂબ જ મોટી કમાણી કરે છે અને અમને આર્થિક ફાયદો થાય છે.
પરંતુ ટ્રમ્પે પોતાની વાતને આગળ વધારતા અત્યંત કડક શબ્દોમાં ઈરાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, એક પ્રેસિડેન્ટ તરીકે મારા માટે આર્થિક નફા કરતાં પણ વધારે રસ અને મહત્વની બાબત એ છે કે ઈરાન જેવા દુષ્ટ સામ્રાજ્યને રોકવું. ઈરાનને કોઈપણ ભોગે પરમાણુ હથિયારો મેળવતા અને મધ્ય પૂર્વ તેમજ સમગ્ર વિશ્વનો વિનાશ કરતા અટકાવવું એ જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. ટ્રમ્પે પોતાની પોસ્ટના અંતમાં જનતાને ખાતરી આપતા કડક ચેતવણી આપી હતી કે, હું ઈરાનને ક્યારેય પણ આવું કરવા દઈશ નહીં! આ મહત્વના મુદ્દા પર ધ્યાન આપવા બદલ તમારો આભાર.
નોંધનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે અને તે બેરલ દીઠ ૮૨ ડોલરની સપાટીને પાર કરી ગયો છે. ઈરાન દ્વારા વિશ્વના સૌથી મહત્વના વેપારી માર્ગને બંધ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે, જેનાથી દુનિયાભરમાં તેલની સપ્લાય ખોરવાઈ શકે છે. આવા સમયે ટ્રમ્પનું આ નિવેદન દર્શાવે છે કે અમેરિકા ઈરાન સામે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. જો ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવામાં સફળ રહેશે, તો તે સમગ્ર વિશ્વની શાંતિ માટે સૌથી મોટો ખતરો બની જશે. આથી, જ્યાં સુધી ઈરાનની પરમાણુ ક્ષમતાઓ સંપૂર્ણપણે નષ્ટ નહીં થાય સુધી અમેરિકન લશ્કર પીછેહઠ કરશે નહીં તેવો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે.*









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
