News of Thursday, 12th March 2026
મુંબઈના ઝેરીલા વાયુ પ્રદૂષણ પર દીપિકા પાદુકોણનો ફૂટ્યો રોષ: "શહેર અને બાળકો ગૂંગળાઈ રહ્યા છે" – નવી માતાએ BMC પાસે માંગી તાત્કાલિક મદદ
માતા બન્યા બાદ દીપિકાએ પ્રભાદેવીના પ્રદૂષિત વાતાવરણ અને વધતા AQI સામે ઉઠાવ્યા સવાલ; કાંજુરમાર્ગ અને સાયન જેવા વિસ્તારોમાં પ્રદૂષણનો આંકડો ૪૦૦ ની નજીક પહોંચતા ચિંતા વધી

મુંબઈ : બોલીવુડની ટોચની અભિનેત્રી અને હાલમાં જ માતા બનેલી દીપિકા પાદુકોણે મુંબઈના બગડતા હવા ગુણવત્તા સૂચકાંક (AQI) પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગુરુવારે મુંબઈના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી સપાટીએ પહોંચી જતાં દીપિકાએ સોશિયલ મીડિયા પર અધિકારીઓને આડે હાથ લીધા છે. તેણે મુંબઈના લાલ રંગના પ્રદૂષિત નકશાનો સ્ક્રીનશોટ શેર કરીને અધિકારીઓને પૂછ્યું કે, "આ કેવી રીતે ઠીક હોઈ શકે?"
"દુઆ" ની સલામતી માટે દીપિકાની ચિંતા
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બર ૨૦૨૪ માં એક બાળકીના માતા-પિતા બન્યા છે, જેનું નામ તેમણે 'દુઆ' રાખ્યું છે. એક જવાબદાર માતા તરીકે દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "આ શહેર અને ખાસ કરીને તેના બાળકો અત્યારે ગૂંગળામણ અનુભવી રહ્યા છે." દીપિકા મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં બ્યુમોન્ડે ટાવર્સના ૨૬મા માળે રહે છે. આલીશાન ઘરમાં રહેવા છતાં શહેરની બગડતી હવાથી તે ચિંતિત છે અને તેણે BMC (@my_bmc) ને ટેગ કરીને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.
મુંબઈ પર ધુમ્મસની ગાઢ ચાદર
ગુરુવારે વહેલી સવારે આખું મુંબઈ ધુમ્મસની ગાઢ ચાદર હેઠળ ઢંકાયેલું જોવા મળ્યું હતું. પ્રદૂષણને કારણે દૃશ્યતા (Visibility) માં મોટો ઘટાડો થયો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં AQI ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. ખાસ કરીને કાંજુરમાર્ગમાં ૩૯૨, વિક્રોલીમાં ૩૮૮ અને સાયનમાં ૩૮૧ નો આંકડો નોંધાયો છે, જે અત્યંત ચિંતાજનક છે.
નેટિઝન્સ અને રહેવાસીઓનો આક્રોશ
માત્ર દીપિકા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર અનેક મુંબઈગરાઓએ ધુમ્મસના ફોટા શેર કરીને પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરી છે. હવાની નબળી ગુણવત્તાને કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને બાળકોમાં ઉધરસના કિસ્સાઓ વધી રહ્યા છે. પશ્ચિમ એશિયાના તણાવ અને તેલ સંકટ વચ્ચે સ્થાનિક પ્રદૂષણનો આ નવો પડકાર મુંબઈના રહેવાસીઓ માટે મુશ્કેલીઓ વધારી રહ્યો છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
