<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ગભરાટમાં ગેસ બુકિંગ કરાવવાની જરૂર નથી: સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરનો જથ્થો છૂટો કરવાનો લીધો નિર્ણય, અફવાઓથી દૂર રહેવા જનતાને અપીલ

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ભારતમાં ઈંધણની સ્થિતિ 'આરામદાયક'; હોટલ-રેસ્ટોરન્ટ્સ માટે પ્રાથમિકતાના ધોરણે પુરવઠો અપાશે, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે સરકાર લાલઘૂમ

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દેશમાં ગેસની અછત સર્જાશે તેવી અફવાઓ અને ગભરાટ (Panic Booking) વચ્ચે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારે વાણિજ્યિક (Commercial) LPG સિલિન્ડરનો પુરવઠો પ્રાથમિકતાના ધોરણે બહાર પાડવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીના એકમો બંધ ન થાય તે માટે રાજ્ય સરકારો પાસેથી મળેલ ડેટાના આધારે લક્ષિત વિતરણ કરવામાં આવશે.
પુરવઠો સ્થિર, સંગ્રહખોરીથી બચવા ચેતવણી
સરકારી આંકડાઓ મુજબ, ભારતમાં ઘરેલુ એલપીજી ઉત્પાદનમાં ૨૮% નો વધારો થયો છે. દેશભરના આશરે એક લાખ પેટ્રોલ પંપ અને ૨૫,૦૦૦ ગેસ ડીલરો પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ક્યાંય પણ 'ડ્રાય આઉટ' એટલે કે જથ્થો શૂન્ય થયો હોવાના અહેવાલ નથી. મંત્રાલયે નોંધ્યું છે કે યુદ્ધના સમાચારને કારણે લોકો ગભરાટમાં જરૂર કરતા વધુ બુકિંગ કરાવી રહ્યા છે, જેનાથી બજારમાં ખોટી કૃત્રિમ અછત ઉભી થઈ રહી છે. અધિકારીઓએ લોકોને વિનંતી કરી છે કે અત્યારે ઈંધણ બચાવવાની જરૂર છે અને બિનજરૂરી સંગ્રહખોરી ટાળવી જોઈએ.
અફવાઓ અને ફેક ન્યૂઝ સામે કડક વલણ
માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ નાગરિકોને સોશિયલ મીડિયા પર વહેતા થતા નકલી સમાચારોથી સાવધ રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં દરરોજ ૫૦ લાખ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી રહી છે, જે પુરવઠાની મજબૂતી દર્શાવે છે. ટીવી ચેનલોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરે અને જૂના દ્રશ્યો ચલાવીને જનતામાં ભય ન ફેલાવે. પુરવઠા પર દેખરેખ રાખવા માટે જિલ્લા સ્તરે સમિતિઓની રચના કરવામાં આવી છે જે વિતરણ વ્યવસ્થા પર નજર રાખશે.
વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો પર ભાર
સરકારે ઉર્જા વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યોને ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીન ફાળવવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત, કોલસા મંત્રાલયને પણ વધુ જથ્થો ફાળવવા નિર્દેશ અપાયા છે અને પર્યાવરણ મંત્રાલયે એક મહિના માટે બાયોમાસ તેમજ કોલસાના ઉપયોગને વિશેષ મંજૂરી આપી છે. સરકારના મતે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું રિફાઈનર હોવાથી ક્રૂડ ઓઈલની સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

(10:08 PM IST)