News of Thursday, 12th March 2026
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત: શાંતિ અને સ્થિરતા જાળવવા પર મૂક્યો ભાર
યુદ્ધના કારણે નાગરિકોના મૃત્યુ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાન અંગે વ્યક્ત કરી ચિંતા, વૈશ્વિક ઈંધણ સંકટ વચ્ચે ભારતીય નાગરિકોની સુરક્ષા અને ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ

નવી દિલ્હી:પશ્ચિમ એશિયામાં વણસતી જતી સુરક્ષા પરિસ્થિતિ અને વધતા જતા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી ગંભીર ચર્ચાઓ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સંવાદની વિગતો શેર કરતા વડાપ્રધાને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. વડાપ્રધાને નાગરિકોના જાનમાલના નુકસાન અને નાગરિક માળખાગત સુવિધાઓને થઈ રહેલા નુકસાન અંગે ઊંડી સંવેદના અને ચિંતા વ્યક્ત કરી હતી.
રાજદ્વારી ઉકેલ અને સંવાદ પર ભાર:
વડાપ્રધાન મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત આ સંઘર્ષના વહેલા ઉકેલ માટે પક્ષકાર છે. તેમણે પશ્ચિમ એશિયામાં સ્થિરતા માટે સંવાદ (Dialogue) અને મુત્સદ્દીગીરી (Diplomacy) ના માર્ગે આગળ વધવા અનુરોધ કર્યો હતો. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ત્યાં વસતા ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા, તેમજ માલસામાન અને ઊર્જાના અવરોધ વિનાના પરિવહન (Transit) ને સુનિશ્ચિત કરવું એ ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ઊર્જા સુરક્ષા માટે ભારત સજ્જ:
ગુરુવારે દિલ્હીમાં આયોજિત 'NXT સમિટ ૨૦૨૬' ને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ વૈશ્વિક ઇંધણ સંકટ અંગે દેશને આશ્વસ્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ઊભા થયેલા વૈશ્વિક પડકારો વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ૨૦૧૪ પહેલા ભારત પાસે વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ (Strategic Petroleum Reserve) માટે નહિવત સંગ્રહ ક્ષમતા હતી, પરંતુ હવે ભારત પાસે નોંધપાત્ર અનામત જથ્થો ઉપલબ્ધ છે.
આત્મનિર્ભરતા દ્વારા સંકટનો સામનો:
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે તેમની સરકાર ઊર્જા ક્ષેત્રે ભારતને 'આત્મનિર્ભર' બનાવવા માટે સર્વગ્રાહી રીતે કામ કરી રહી છે, જેના પરિણામે મોટી બચત થઈ રહી છે. વૈશ્વિક સ્તરે ઇંધણની કિંમતોમાં વધઘટ કે અછત સર્જાય તેવી સ્થિતિમાં પણ ભારતીય નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે સરકાર કટિબદ્ધ છે. પશ્ચિમ એશિયામાં વધતી જતી અસ્થિરતા વચ્ચે ભારતની આ સક્રિય રાજદ્વારી પહેલ અને આંતરિક સજ્જતા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
