તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
વખત આવ્યે ગધેડાને પણ બાપ કહેવો પડે: ઈરાની ડ્રોન સામે અમેરિકા લાચાર, અત્યાર સુધી મદદની ભીખ માંગતા યુક્રેન પાસે વ્હાઈટ હાઉસે માંગવી પડી મદદ
યુદ્ધ વચ્ચે યુક્રેન માટે આપત્તિમાં સર્જાઈ તક; જોર્ડનમાં અમેરિકી સૈન્ય મથકોને બચાવવા ઝેલેન્સ્કીએ મોકલ્યા 'ડ્રોન એક્સપર્ટ્સ', શાહેદ ડ્રોનનો કાળ ગણાતી ટેકનોલોજી માટે યુએસ સાથે મોટા કરારની તૈયારી

કિવ : પશ્ચિમ એશિયાના રણમેદાનમાં ખેલાઈ રહેલા જંગે દુનિયાના શક્તિશાળી દેશોના ગણિત બદલી નાખ્યા છે. જે યુક્રેન છેલ્લા ચાર વર્ષથી રશિયા સામે ટકી રહેવા માટે અમેરિકા પાસે હથિયારો અને ભંડોળની ભીખ માંગી રહ્યું હતું, આજે એ જ અમેરિકાએ ઈરાની ડ્રોન સામે રક્ષણ મેળવવા યુક્રેનની મદદ લેવી પડી છે. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે અમેરિકાની વિનંતી પર યુક્રેને જોર્ડનમાં આવેલા યુએસ લશ્કરી થાણાઓને સુરક્ષિત કરવા માટે પોતાના ઈન્ટરસેપ્ટર ડ્રોન અને નિષ્ણાતોની ટીમ તૈનાત કરી છે.
આપત્તિમાં અવસર: ઝેલેન્સ્કીની મોટી ચાલ
ઝેલેન્સ્કી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને યુક્રેન માટે એક મોટી તક તરીકે જોઈ રહ્યા છે. રશિયા લાંબા સમયથી યુક્રેન પર ઈરાની બનાવટના 'શાહેદ' ડ્રોનથી હુમલા કરી રહ્યું છે, જેના કારણે યુક્રેને આ ડ્રોનને હવામાં જ તોડી પાડવાની અદભૂત ટેકનોલોજી વિકસાવી લીધી છે. હવે જ્યારે ઈરાન સીધું અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે, ત્યારે અમેરિકા પાસે યુક્રેન જેવી અનુભવી ટેકનોલોજીનો અભાવ વર્તાઈ રહ્યો છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, તેઓ અમેરિકા સાથે મોટા પાયે ડ્રોન ઉત્પાદનનો કરાર કરવા માંગે છે.
ડ્રોન કોમ્બેટ હબ બનાવવાની યોજના
યુક્રેનિયન અધિકારીઓએ વ્હાઈટ હાઉસ સમક્ષ તુર્કી, જોર્ડન અને પર્સિયન ગલ્ફના દેશોમાં 'ડ્રોન કોમ્બેટ હબ' સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગયા વર્ષે જ્યારે યુક્રેને આ ટેકનોલોજી વેચવાની વાત કરી હતી ત્યારે અમેરિકાએ તેને ગંભીરતાથી લીધી નહોતી, પરંતુ હવે ઈરાની મિસાઈલો અને ડ્રોનના વરસાદ વચ્ચે અમેરિકાને યુક્રેનિયન ટેકનોલોજીમાં જ બચાવ દેખાઈ રહ્યો છે. જો આ ડીલ ફાઈનલ થાય છે, તો યુક્રેન માત્ર શસ્ત્રો મેળવનાર દેશ મટીને અમેરિકાનો ટેકનિકલ પાર્ટનર બની જશે.
વૈશ્વિક ઈંધણ સંકટ અને યુદ્ધની ભયાનકતા
એક તરફ રાજદ્વારી સોદાબાજી ચાલી રહી છે, તો બીજી તરફ ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં લેન્ડમાઈન બિછાવીને તેલના જહાજોનો માર્ગ રોકી દીધો છે. આનાથી વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે. યુક્રેન જેવી રમત રમી રહ્યું છે તે જોતા લાગે છે કે પશ્ચિમ એશિયાની આ આપત્તિ કિવ માટે આર્થિક અને લશ્કરી રીતે વરદાન સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
