News of Friday, 13th March 2026
સાળી સાથે છેડછાડ કરવાના મામલે ૭ વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યો
મને સપનામાં લાગ્યું હતું કે જીજાજીએ મને પકડી લીધી છે એટલે બૂમો પાડવાની શરૂ કરી હતીઃ સાળીનું નિવેદન

કાનપુર,તા.૧૩: કાનપુરમાં એક વ્યક્તિ પર ૭ વર્ષ સુધી કેસ ચાલ્યો. એ પણ પોતાની જ સાળી સાથે છેડછાડ કરવાનો. જોકે આખરે ખબર પડી કે એ છેડછાડ અસલમાં નહોતી થઈ પરંતુ સાળીના સપનામાં થઈ હતી. ૨૦૧૯માં ઍરફોર્સમાં કામ કરતા અનુરાગ શુક્લા પોતાની પત્નીને લેવા માટે તેના પિયર ગયા હતા. એ વખતે એક રાતે તેમની સાળીએ અચાનક જ શોરબકોર મચાવીને આરોપ લગાવ્યો કે બનેવીએ તેની સાથે છેડછાડ કરી છે. પરિવારજનોએ આ વાતને ગંભીરતાથી લઈને કેસ કર્યો અને પોલીસે અનુરાગને જેલમાં પૂરી દીધો. લગભગ ૧૯ દિવસ જેલમાં રહ્યા પછી તેને જામીન મળી ગયા, પરંતુ કેસ ચાલતો રહ્યો. ૭ વર્ષ સુધી કેસ ચાલ્યો અને આખરે કોર્ટમાં હાજર થવાના પળે સાળીએ જે નિવેદન આપ્યું એ સૌના પગ તળેથી ધરતી સરકાવી દેનારું હતું. સાળીએ કહ્યું, ‘હું એ રાતે દવા લઈને સૂતી હતી અને અડધી ઊંઘમાં હતી. મને સપનામાં લાગ્યું હતું કે જીજાજીએ મને પકડી લીધી છે એટલે બૂમો પાડવાની શરૂ કરી હતી. મને બહુ પાછળથી સમજાયું કે આ ઘટના સપનામાં ઘટી હતી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
