News of Friday, 13th March 2026
ઓસ્ટ્રેલિયાના વિઝા સપના જોનારાઓ માટે મોટા સમાચાર: હવે ટ્રેનિંગ વિઝા મેળવવો બનશે લોઢાના ચણા ચાવવા જેવો, નિયમોમાં ધરખમ ફેરફાર
હવે અરજી કરતા પહેલા સ્પોન્સરની મંજૂરી ફરજિયાત: 'કાયમી કામચલાઉ' ધોરણે રહેતા લોકો પર સરકારની લાલ આંખ

મેલબોર્ન, તા. ૧૩: ઓસ્ટ્રેલિયા જઈને પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા ભારતીય યુવાનો અને વ્યાવસાયિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે તેના લોકપ્રિય 'તાલીમ વિઝા' (સબક્લાસ 407) ના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નવા નિયમો મુજબ, હવે વિઝા અરજી સબમિટ કરતા પહેલા સ્પોન્સર અને નોમિનેશનની મંજૂરી મેળવવી અનિવાર્ય બની ગઈ છે. આ કડક જોગવાઈઓ આગામી 11 માર્ચ, 2026 થી અમલમાં આવશે.
શું છે નવો ફેરફાર?
અત્યાર સુધીની પ્રક્રિયામાં અરજદારો સ્પોન્સરશિપ અને નોમિનેશનની વિનંતી સાથે જ પોતાની વિઝા અરજી ફાઈલ કરી શકતા હતા. પરંતુ હવે, નવી સિસ્ટમ મુજબ જ્યાં સુધી તમારા સ્પોન્સરને 'કામચલાઉ પ્રવૃત્તિઓના સ્પોન્સર' તરીકે માન્યતા ન મળે અને તમારા તાલીમ નોમિનેશનને લીલી ઝંડી ન મળે, ત્યાં સુધી તમે વિઝા માટે અરજી જ કરી શકશો નહીં. જો કોઈ અરજદાર આ પૂર્વ મંજૂરી વિના અરજી કરશે, તો તેની અરજી અમાન્ય ગણાશે અને ફી પરત કરી દેવામાં આવશે.
સરકારે કેમ લીધો આ નિર્ણય?
ઓસ્ટ્રેલિયન ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ 'કાયમી કામચલાઉતા' (Permanent Temporariness) ને રોકવાનો છે. ઘણા વિદેશી નાગરિકો કાયમી નિવાસ (PR) માટે પાત્ર ન હોવા છતાં, એક પછી એક કામચલાઉ વિઝા મેળવીને લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયામાં રોકાય છે. સરકારનું માનવું છે કે આવા લોકો શોષણનો શિકાર બની શકે છે. આ નવા નિયમોથી માત્ર એવા જ લોકોને પ્રવેશ મળશે જે ખરેખર માળખાગત કાર્યસ્થળ તાલીમ દ્વારા કૌશલ્ય વિકાસ કરવા માંગે છે.
અરજદારોએ શું ધ્યાન રાખવું પડશે?
જે લોકો અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને આ વિઝા પર રહેવા માંગે છે, તેમણે ખાસ સાવચેતી રાખવી પડશે. સ્પોન્સરશિપની મંજૂરીમાં વિલંબ થાય તો તેમણે અન્ય વિઝા લેવા પડશે અથવા દેશ છોડવો પડશે, કારણ કે નવી અરજી દાખલ ન થાય ત્યાં સુધી તેઓ 'બ્રિજિંગ વિઝા' માટે પાત્ર ગણાશે નહીં. પ્રાયોજકોને પણ સલાહ આપવામાં આવી છે કે તાલીમ શરૂ કરવાની નિર્ધારિત તારીખથી ઘણું વહેલું આ પ્રક્રિયા શરૂ કરી દેવી જેથી વિલંબથી બચી શકાય.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
