<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

પીએમ મોદીનો સંકલ્પ: "જેમ કોવિડને હરાવ્યો, તેમ ઊર્જા કટોકટીને પણ માત આપીશું" : ગભરાટ ફેલાવનારા તત્વોને આકરી ચેતવણી

NXT સમિટમાં મધ્ય પૂર્વના યુદ્ધ અને તેલ સંકટ પર પ્રધાનમંત્રીએ તોડ્યું મૌન: 50 લાખ ટન પેટ્રોલિયમ રિઝર્વ અને બમણા થયેલા LNG ટર્મિનલ સાથે ભારત સજ્જ હોવાની આપી ખાતરી

નવી દિલ્હી:  વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'NXT સમિટ'માં દેશવાસીઓને આશ્વાસન આપતા એક મજબૂત સંદેશ આપ્યો છે. પીએમએ સ્વીકાર્યું કે વર્તમાન ઊર્જા કટોકટી દેશ માટે કસોટીનો સમય છે, પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત આ પડકારને પણ કોરોનાકાળની જેમ જ સફળતાપૂર્વક પાર કરી લેશે. પીએમએ સ્પષ્ટ કર્યું કે વિશ્વનો કોઈપણ દેશ આ સંકટથી અછતો નથી, પરંતુ ભારત તેની 'ઊર્જા સુરક્ષા' સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક સ્તરે તૈયાર છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિની અપીલ કરતા ભારતની વધતી શક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ગૃહમાં અને સોશિયલ મીડિયા પર LPGની અછતને લઈને ચાલી રહેલા વિવાદ પર પીએમ મોદીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક લોકો જાણીજોઈને ગભરાટ (Panic) ફેલાવી રહ્યા છે. કોઈનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં રાજનીતિ કરનારાઓ જનતા સમક્ષ ખુલ્લા પડી રહ્યા છે. પીએમએ આંકડાઓ સાથે વાત કરતા જણાવ્યું કે 2014માં દેશમાં માત્ર 14 કરોડ LPG કનેક્શન હતા, જે આજે વધીને 33 કરોડથી વધુ થઈ ગયા છે. તેમણે મીડિયા, યુવાનો અને રાજકીય પક્ષોને આ સંકટ સમયે જવાબદારીપૂર્વક વર્તવાની અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી હતી.

ભારતની દૂરંદેશી અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2014 પહેલા દેશ પાસે કોઈ વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત નહોતું, પરંતુ આજે ભારત પાસે 50 લાખ ટનથી વધુનો જથ્થો સુરક્ષિત છે. વધુમાં, LNG ટર્મિનલની સંખ્યા પણ 4 થી વધીને 8 થઈ ગઈ છે, જે આપણી આત્મનિર્ભરતા દર્શાવે છે. વિશ્વના નેતાઓ આજે ભારત તરફ મોટી આશા સાથે જોઈ રહ્યા છે અને ભારત વિશ્વના અર્થતંત્રનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. પીએમએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે આપણે માત્ર વિદેશી તેલ પર નિર્ભર રહેવાને બદલે ઊર્જાના ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

(5:54 PM IST)