ગેસ સંગ્રહખોરો સાવધાન! ઘરમાં સિલિન્ડર છુપાવ્યો તો જેલના સળિયા ગણવા પડશે: ઈરાનના જંગ વચ્ચે ભારતનું મોટું રેસ્ક્યુ ઓપરેશન!
7.5 મિલિયન LPG બુકિંગના આંકડાએ મચાવ્યો ખળભળાટ: પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે કરી સીધી વાત અને 170 ભારતીયો આબાદ બચ્યા : અખાતી દેશોમાં 23,000 ભારતીય ખલાસીઓ પર સરકારની બાજ નજર

નવી દિલ્હી પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને ઉર્જા સંકટથી બચાવવા માટે રણશિંગુ ફૂંક્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે એક હાઈ-લેવલ બ્રીફિંગમાં સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી, પરંતુ ગભરાટમાં આવીને LPG સિલિન્ડરનો સંગ્રહ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 'LPG કંટ્રોલ ઓર્ડર 2000' હેઠળ હવે અધિકારીઓને સત્તા આપવામાં આવી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ ગોદામ કે ઘરમાં દરોડા પાડી શકે છે અને સંગ્રહખોરી કરનારને સીધા જેલ ભેગા કરી શકે છે. માર્ચ મહિનામાં LPG બુકિંગનો આંકડો 7.5 મિલિયનને વટાવી જતાં સરકાર એલર્ટ મોડ પર છે, છતાં ખાતરી આપી છે કે દરરોજ 50 લાખ સિલિન્ડરની ડિલિવરી સાથે પુરવઠો 100% જાળવી રાખવામાં આવશે.
વ્યૂહાત્મક મોરચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કમાન સંભાળી છે. તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પ્રાદેશિક શાંતિ અને ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર ચર્ચા કરી છે. આ મુત્સદ્દીગીરીના પરિણામે જ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી 170 ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં સફળતા મળી છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે પશ્ચિમ એશિયામાં ફસાયેલા દરેક ભારતીયની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખાસ કરીને અખાતના અશાંત સમુદ્રી માર્ગો પર દેખરેખ વધારી દેવામાં આવી છે, કારણ કે ત્યાં હજુ પણ હજારો ભારતીય જીવો જોખમમાં છે.
દરમિયાન, હોર્મુઝ નજીક કામ કરતા 23,000 ભારતીય ખલાસીઓની સુરક્ષા માટે શિપિંગ મંત્રાલયે હાઈ-ટેક મોનિટરિંગ સિસ્ટમ સક્રિય કરી છે. પશ્ચિમ ભાગમાં તૈનાત 24 જહાજો અને પૂર્વ ભાગમાં રહેલા 3 જહાજોના ક્રૂ મેમ્બર્સ સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. કમનસીબે, આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ત્રણ ભારતીય ખલાસીઓએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર છે, જ્યારે એક ખલાસી હજુ પણ લાપતા છે. ભારત સરકાર આ સ્થિતિમાં માત્ર પોતાના નાગરિકોને બચાવવા જ નહીં, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાય નહીં તે માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ભૂમિકા ભજવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
