News of Friday, 13th March 2026
ધનિકોની બદલાતી પંસદગી: ઈરાન-ઈઝરાયલ જંગના પડઘા હવે લક્ઝરી બજારમાં પડ્યા : ગુચી-ડાયોરને બદલે આ બ્રાન્ડનો ક્રેઝ વધ્યો!
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારતના અમીરો બન્યા સાવધ: લુઈસ વીટન અને ગુચીની આવકમાં ગાબડું : જ્યારે ‘હર્મેસ’ના વેચાણમાં 33%નો તોતિંગ ઉછાળો : હેરિટેજ અને આર્ટિસ્ટિક વસ્તુઓ તરફ વળ્યો સમૃદ્ધ વર્ગ

મુંબઈ : ભારત અને વિશ્વમાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવની અસર માત્ર સામાન્ય માણસના ખિસ્સા પર જ નહીં, પણ અબજોપતિઓની ખરીદીની આદતો પર પણ પડી રહી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષ અને નબળા પડતા રૂપિયાને કારણે ભારતીય લક્ઝરી માર્કેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2025 ના આંકડા દર્શાવે છે કે એક સમયે જે બ્રાન્ડ્સનું નામ દરેક અમીર વ્યક્તિની જીભ પર હતું, તે ગુચી (Gucci) અને ક્રિશ્ચિયન ડાયોર (Dior) જેવી બ્રાન્ડ્સના વેચાણમાં 17% સુધીનો ઘટાડો નોંધાયો છે. મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાના ડરથી મહત્વાકાંક્ષી ગ્રાહકોએ બિનજરૂરી ખર્ચ ઘટાડ્યો છે, જેના કારણે લક્ઝરી મોલ્સમાં હવે ભીડ ઓછી અને ગ્રાહકો વધુ પસંદગીયુક્ત જોવા મળી રહ્યા છે.
આ આર્થિક ઉથલપાથલ વચ્ચે પણ 'અલ્ટ્રા-લક્ઝરી' સેગમેન્ટમાં હર્મેસ (Hermes) જેવી બ્રાન્ડ્સનો દબદબો વધ્યો છે. હર્મેસ ઇન્ડિયાની આવક ₹322 કરોડથી વધીને ₹427.9 કરોડ સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે અતિ-શ્રીમંત વર્ગ હવે માત્ર મોંઘા લોગોવાળી વસ્તુઓ પાછળ દોડવાને બદલે એવી બ્રાન્ડ્સ પસંદ કરી રહ્યો છે જેનો 'વારસો' અને 'કારીગરી' (Craftsmanship) લાંબા ગાળા સુધી મૂલ્ય જાળવી રાખે. જ્યારે ગુચી જેવી બ્રાન્ડ્સની આવક ઘટીને ₹265 કરોડ થઈ છે, ત્યારે હર્મેસના ઓર્ડર લિસ્ટ લાંબા થઈ રહ્યા છે. લોકો હવે ફેશન ટ્રેન્ડને બદલે ક્લાસિક એક્સેસરીઝ, કલેક્ટિબલ આઇટમ્સ અને દુર્લભ ઘડિયાળોમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જે મુશ્કેલ સમયમાં પણ સ્ટેટસ સિમ્બોલ બની રહે.
ભારતીય બજારમાં લક્ઝરી વસ્તુઓ વિદેશની સરખામણીએ 10-12% મોંઘી હોવા છતાં, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સ્થાનિક માંગ હજુ પણ ટકી રહી છે. જોકે, લગ્ન પ્રસંગો સિવાય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે સ્પર્ધા વધી છે કારણ કે ભારતીય ડિઝાઈનર્સ પણ હવે વૈશ્વિક સ્તરે મજબૂત પકડ જમાવી રહ્યા છે. રૂપિયાનું નબળું પડવું અને આયાત જકાતમાં ફેરફારને કારણે ઘણા શ્રીમંતો હજુ પણ લંડન કે દુબઈ જઈને ખરીદી કરવાનું ટાળતા નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, યુદ્ધ અને આર્થિક ડર વચ્ચે પણ અમીર વર્ગ પોતાનો સ્વાદ બદલી રહ્યો છે—તેઓ હવે 'શો-ઓફ' કરતા 'વારસા' ને વધુ મહત્વ આપી રહ્યા છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
