ખેડૂતો માટે હોળી પહેલા દિવાળી: પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર : ખાતામાં જમા થયા ₹2,000!
વડાપ્રધાન મોદીએ આસામની ધરતી પરથી એક ક્લિકમાં ₹18,640 કરોડ છોડ્યા : 9.32 કરોડ ખેડૂતોના ઘરે પહોંચી ખુશીની લહેર

ગુવાહાટી : ભારતના કરોડો અન્નદાતાઓ માટે આજનો દિવસ મોટી ભેટ લઈને આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત દરમિયાન ગુવાહાટીમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજનાના 22મા હપ્તાનું રિલીઝ બટન દબાવ્યું છે. આ સાથે જ દેશભરના આશરે 93.2 મિલિયન પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધા ₹2,000 જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કુલ ₹18,640 કરોડથી વધુની આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવી છે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો, તો તમારી બેંક દ્વારા ટૂંક સમયમાં ટેક્સ્ટ મેસેજ મળી શકે છે, અથવા તમે તમારા નજીકના એટીએમ પર જઈને બેલેન્સ ચેક કરી શકો છો.
જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ માત્ર એવા જ ખેડૂતોને મળશે જેમણે પોતાનું eKYC પૂર્ણ કર્યું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, ખેડૂત આઈડી અને eKYC ફરજિયાત હોવાથી જે લોકોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂરી નથી કરી, તેઓ હપ્તાથી વંચિત રહી શકે છે. સરકારની આર્થિક સહાયનો હેતુ ખેતીમાં બિયારણ, ખાતર અને અન્ય જરૂરિયાતો પૂરી કરવાનો છે. જો તમને મેસેજ ન મળ્યો હોય, તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આટલી મોટી સંખ્યામાં ટ્રાન્સફર થવાને કારણે બેંક સર્વરમાં વિલંબ થઈ શકે છે અને આગામી 24 થી 48 કલાકમાં રકમ તમારા ખાતામાં દેખાવા લાગશે.
તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં તે જાણવા માટે તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ (pmkisan.gov.in) પર જઈને 'Beneficiary List' વિકલ્પ તપાસી શકો છો. ત્યાં તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામની વિગતો ભરીને તમે તમારું નામ કન્ફર્મ કરી શકો છો. જો તમારું નામ યાદીમાં હોવા છતાં પૈસા નથી આવ્યા, તો તમે પીએમ કિસાનના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકો છો. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક મોંઘવારી વચ્ચે ભારત સરકાર દ્વારા સીધી આર્થિક મદદ મળતા ગ્રામીણ અર્થતંત્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
