<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સંસદમાં ‘રામાયણ’ vs ‘મહાભારત’: નિર્મલા સીતારમણે ચંદ્રશેખર આઝાદને ‘રાવણ’ ત્યાગી ‘વિદુર’ બનવાની આપી સલાહ!

બિજનૌરના ભવ્ય વારસાની યાદ અપાવી નાણામંત્રીએ નગીનાના સાંસદને નામ બદલવા કરી અનોખી વિનંતી: “રાવણ કેમ, મહાપ્રાજ્ઞ વિદુર કેમ નહીં?” : હળવી ટકોર સાથે ગૃહમાં હાસ્યની છોળો ઊડી

નવી દિલ્હી :  લોકસભામાં બજેટ સત્ર દરમિયાન જ્યારે વિપક્ષી સભ્યો 'એલપીજી કટોકટી' મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યા હતા, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાની આગવી શૈલીમાં માહોલને હળવો બનાવી દીધો હતો. નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે જ્યારે સરકાર પર 'સાવકી માતા' જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો, ત્યારે સીતારમણે વળતો જવાબ આપતા તેમને એક ખાસ સલાહ આપી. તેમણે કહ્યું કે, ચંદ્રશેખરજીએ તેમના નામની પાછળ 'રાવણ' શબ્દ લગાડ્યો છે, પરંતુ તેમના જ વિસ્તાર બિજનૌર સાથે મહાભારતના પરમ જ્ઞાની પાત્ર 'વિદુર'નો ગાઢ સંબંધ છે. નાણામંત્રીએ સૂચન કર્યું કે, રાવણના બદલે જો તેઓ 'ચંદ્રશેખર વિદુર' નામ રાખે તો તે વધુ ગરિમાપૂર્ણ અને આદરણીય લાગશે.

આ મામલો ત્યારે વધુ રસપ્રદ બન્યો જ્યારે નિર્મલા સીતારમણે હાથ જોડીને ચંદ્રશેખરને 'વિદુર' કહીને સંબોધ્યા. આ જોતા જ સત્તાધારી પક્ષના સભ્યોએ પણ હસતા મુખે તે વાક્ય દોહરાવ્યું હતું. આ અનોખી અને હળવી ટિપ્પણીથી ચંદ્રશેખર પોતે અને તેમની બાજુમાં બેઠેલા શત્રુઘ્ન સિંહા સહિતના વિપક્ષી નેતાઓ ખડખડાટ હસી પડ્યા હતા. નાણામંત્રીએ ઉમેર્યું કે વિદુરે પોતાના અંતિમ દિવસો બિજનૌરમાં વિતાવ્યા હતા અને તેમની વિદ્વતા આખા વિશ્વમાં પૂજાય છે, તેથી રાવણ જેવા નકારાત્મક પાત્ર કરતા વિદુરનું નામ ધારણ કરવું એ બિજનૌરની ધરતીનું સન્માન ગણાશે.

ચંદ્રશેખરના 'ભેદભાવ'ના આરોપોનો જવાબ આપતા સીતારમણે આંકડાકીય વિગતો પણ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે બિજનૌર જિલ્લામાં જળ જીવન મિશન હેઠળ 5 લાખ પરિવારોને નળનું પાણી અને સ્વચ્છ ભારત મિશન હેઠળ 3 લાખ શૌચાલયો બનાવી આપવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર નાના પક્ષો કે અપક્ષ સાંસદોના મતવિસ્તાર સાથે કોઈ પક્ષપાત કરતી નથી, બલ્કે ત્યાં વિકાસ કાર્યોની ગતિ 2019 કરતા 10 ગણી વધી છે. આમ, સીતારમણે તાર્કિક દલીલો અને પૌરાણિક સંદર્ભોનો સંગમ કરીને વિપક્ષના હુમલાને કુશળતાપૂર્વક હાસ્યમાં ફેરવી દીધો હતો.

(8:13 PM IST)