<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

અભેદ્ય કિલ્લો ‘પિકેક્સ માઉન્ટેન’: જ્યાં અમેરિકાના બંકર-બસ્ટર બોમ્બ પણ છે લાચાર : શું આ પર્વત પરમાણુ યુદ્ધનું કેન્દ્ર બનશે?

ઝાગ્રોસ પર્વતોની 330 ફૂટ ઊંડાઈમાં છુપાયેલું ઈરાનનું 900 પાઉન્ડ યુરેનિયમ : ટ્રમ્પની સેના બ્રિટિશ એરબેઝથી B-1B લેન્સર બોમ્બર્સ સાથે તૈયાર : પણ ગ્રેનાઈટની ચટ્ટાન તોડવી અશક્ય

તેહરાન :  ઈરાન યુદ્ધના 14મા દિવસે રણમેદાનમાં એક એવો પડકાર ઉભો થયો છે જેણે વોશિંગ્ટનથી લઈને તેહરાન સુધી હલચલ મચાવી દીધી છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે ઈરાને તેના સૌથી કિંમતી અને ખતરનાક 900 પાઉન્ડ સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો 'પિકેક્સ માઉન્ટેન' (કુહ-એ કોલંગ ગાઝ લા) નામના એક અત્યંત ગુપ્ત ભૂગર્ભ બંકરમાં ખસેડી દીધો છે. નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટથી માત્ર 1.6 કિમી દૂર, ઝાગ્રોસ પર્વતમાળામાં ગ્રેનાઈટની મજબૂત ચટ્ટાનોની નીચે 100 મીટર (આશરે 330 ફૂટ) ઊંડે આવેલી આ સુવિધા એટલી સુરક્ષિત છે કે તેને વિશ્વનું સૌથી અભેદ્ય પરમાણુ કેન્દ્ર માનવામાં આવે છે. વિશ્લેષકોના મતે, આ એ જ જગ્યા છે જ્યાં અમેરિકાના સૌથી આધુનિક 'બંકર-બસ્ટર' બોમ્બ પણ બેઅસર સાબિત થઈ શકે છે, કારણ કે કુદરતી ગ્રેનાઈટ અને કૃત્રિમ કોંક્રિટનું આવરણ તેને કોઈપણ હવાઈ હુમલા સામે સુરક્ષા કવચ પૂરું પાડે છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની પરમાણુ ક્ષમતાને જડમૂળથી ઉખેડી નાખવા માટે બ્રિટિશ ધરતીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. યુકેના 'આરએએફ ફેરફોર્ડ' એરબેઝ પર ત્રણ શક્તિશાળી B-1B લેન્સર બોમ્બર્સ તૈનાત કરવામાં આવ્યા છે, જે ઈરાન પર મોટા પાયે હુમલો કરવા માટે સજ્જ છે. અમેરિકા માટે ચિંતાનો વિષય એ છે કે ઈરાન પાસે રહેલું 60% શુદ્ધતા ધરાવતું યુરેનિયમ માત્ર થોડા જ સમયમાં 11 પરમાણુ બોમ્બ બનાવવામાં સક્ષમ છે. જો આ જથ્થો પિકેક્સ માઉન્ટેનમાં સુરક્ષિત રીતે સંગ્રહિત રહ્યો, તો ઈરાન ગમે ત્યારે પરમાણુ શક્તિ બનીને ઉભરી શકે છે, જે ઇઝરાયલ અને પશ્ચિમી દેશો માટે અસ્તિત્વનું જોખમ ઊભું કરશે.

વ્યૂહાત્મક નિષ્ણાતો માને છે કે 'પિકેક્સ માઉન્ટેન' હવે આ યુદ્ધનો 'ટર્નિંગ પોઈન્ટ' બની ગયો છે. જો હવાઈ હુમલાઓ આ પર્વતને તોડવામાં નિષ્ફળ રહેશે, તો અમેરિકા પાસે માત્ર બે જ વિકલ્પો બચશે: કાં તો ઈરાનને પરમાણુ સંપન્ન દેશ તરીકે સ્વીકારી લેવો અથવા તો પર્વતની અંદર ઘૂસીને ઓપરેશન કરવા માટે પોતાની 'ગ્રાઉન્ડ ફોર્સ' (ભૂમિ સૈનિકો) ઉતારવી. જમીની યુદ્ધ એ અમેરિકા માટે મોટું જોખમ છે, પરંતુ પિકેક્સ માઉન્ટેનમાં ચાલી રહેલી ચોવીસ કલાકની ગતિવિધિઓ સૂચવે છે કે ઈરાન કોઈપણ ભોગે પરમાણુ શસ્ત્ર વિકસાવવાના અંતિમ તબક્કામાં છે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે શું ટ્રમ્પના બોમ્બર્સ આ 'અભેદ્ય પર્વત' ને ધૂળ ચાટતો કરશે કે પછી આ કિલ્લો ઈરાન માટે વિજયનું દ્વાર બનશે.

(8:16 PM IST)