<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર બેલેસ્ટિક મિસાઈલોથી ઈરાને હુમલો કર્યાનો દાવો

ઈરાની નૌસેનાએ દાવો કર્યો કે હુમલા બાદ અમેરિકન એરક્રાફ્ટ કેરિયરે પીછેહઠ કરી: અમેરિકાએ દાવાને તાત્કાલિક રદિયો આપ્યો

ઈરાન અને અમેરિકા (US) વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે ઈરાન (Iran) ની નૌસેનાએ દાવો કર્યો છે કે તેણે અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે. ઈરાન મુજબ, આ હુમલા બાદ જહાજ કામ કરવા લાયક રહ્યું નથી અને તેને ખાડી ક્ષેત્રથી પાછું હટવું પડયું છે.

જો કે અમેરિકાએ આ દાવાઓને તાત્કાલિક રદિયો આપ્યો છે. અમેરિકાની સેનાએ કહ્યું છે કે આ વિમાનવાહક યુદ્ધ જહાજ હજીપણ સૈન્ય અભિયાનમાં સક્રિય છે

ઈરાની સેનાના વિશેષ એકમ ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નૌસેનાએ કહ્યું છે કે તેણે એક સટીક સૈન્ય અભિયાનમાં એક અમેરિકન એરક્રાફ્ટ કેરિયરને નિશાન બનાવ્યું.

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશન ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા સેન્ટ્રલ હેડક્વાર્ટર ઓફ ધ હોલી પ્રોફેટે નિવેદનમાં કહ્યુ છે કે આ હુમલો ઓમાન સાગરમાં ઈરાનની સમુદ્રી સીમાથી લગભગ 340 કિલોમીટરના અંતરે કરાયો છે.

ઈરાનના સરકારી ટીવી મુજબ, હુમલા પછી USS Abraham Lincoln અને તેની સાથે ચાલી રહેલા યુદ્ધજહાજોનો પુરો સમૂહ ઝડપથી તે વિસ્તારમાંથી હટતો દેખાયો.

જો કે ઈરાની ટેલિવિઝને આ દાવાના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી અથવા વધુ જાણકારી આપી નથી.

ઈરાનના દાવાને અમેરિકાએ તાત્કાલિક રદિયો આપ્યો છે. અમેરિકાની સેનાના યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ યુદ્ધજહાજોની એક તસ્વીર જાહર કરીને કહ્યું છે કે USS Abraham Lincoln હજીપણ મિશન પર છે.

CENTCOM એ કહ્યું છે કે આ જહાજ સમુદ્રથી જ અમેરિકાના સૈન્ય અભિયાન ઓપરેશન એપિક ફ્યૂરી ( Operation Epic Fury) ને સતત મદદ કરી રહ્યું છે.

(8:35 PM IST)