<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

કોર્પોરેટ નોકરી કરતા ‘ઘરકામ’માં વધુ કમાણી? વાર્ષિક રૂ. 4.8 લાખના પગાર સાથે ઘરેલું કામદારોએ IT ફ્રેશર્સને પણ પાછળ રાખ્યા

એક મહિલાની પોસ્ટથી સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ: ડિગ્રી કરતા ‘સ્કીલ’ અને સેવાનું મૂલ્ય વધ્યું, ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા બ્લુ-કોલર જોબ્સમાં આવકનો મોટો ઉછાળો

મુંબઈ : ભારતમાં અત્યાર સુધી માનવામાં આવતું હતું કે ઊંચો પગાર અને આલીશાન ઓફિસ માત્ર કોર્પોરેટ સેક્ટરમાં જ મળે છે. પરંતુ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલી એક મહિલાની પોસ્ટે આ માન્યતાને હચમચાવી દીધી છે. આ પોસ્ટમાં દલીલ કરવામાં આવી છે કે આજના સમયમાં ઘરેલું કામદારો અને નાના વ્યવસાય માલિકો ઘણી એન્ટ્રી-લેવલ કોર્પોરેટ ભૂમિકાઓ કરતાં વધુ આવક મેળવી રહ્યા છે.
સ્નેબિટ (Snabit) જેવી સેવાઓથી બદલાયું ચિત્ર
ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે એક મહિલાએ જણાવ્યું કે ‘સ્નેબિટ’ નામના પ્લેટફોર્મ પર કામ કરતા સફાઈ નિષ્ણાતો દર મહિને લગભગ ૪૦,૦૦૦ રૂપિયા એટલે કે વાર્ષિક રૂ. ૪.૮ લાખ (4.8 LPA) જેટલી કમાણી કરી રહ્યા છે. આ આંકડો ભારતમાં અનેક એન્જિનિયરો કે IT ફ્રેશર્સને મળતા શરૂઆતના પગાર (જે ઘણીવાર ૨.૫ થી ૩.૫ લાખ હોય છે) કરતા ઘણો વધારે છે.
સેવા ક્ષેત્રમાં આવકની નવી તકો
નેટીઝન્સ આ ચર્ચામાં ઉમેરી રહ્યા છે કે માત્ર સફાઈ જ નહીં, પણ રસ્તા પરના ફૂડ સ્ટોલ, સ્થાનિક પ્લમ્બિંગ સેવાઓ અને ઇલેક્ટ્રિશિયન જેવી કુશળતા ધરાવતા લોકો હવે એસી ઓફિસમાં બેસતા કર્મચારીઓ કરતા વધુ સ્થિર અને મોટી આવક મેળવી રહ્યા છે. આ સ્થિતિ દર્શાવે છે કે હવે માર્કેટમાં કોઈ ચોક્કસ ‘ટાઈટલ’ કે ડિગ્રી કરતા તમારી કામ કરવાની પદ્ધતિ અને સેવાનું ‘મૂલ્ય’ વધુ મહત્વનું બની ગયું છે.
ડિગ્રી વિરુદ્ધ કુશળતાનો જંગ
નિષ્ણાતો માને છે કે ભારતમાં બદલાતા લેન્ડસ્કેપને કારણે બ્લુ-કોલર જોબ્સ (શારીરિક શ્રમ આધારિત નોકરીઓ) હવે વધુ પ્રતિષ્ઠિત અને નફાકારક બની રહી છે. ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ્સે આ કામદારોને વચેટિયાઓથી મુક્ત કરીને સીધી અને સારી આવક મેળવવામાં મદદ કરી છે. જ્યારે બીજી તરફ, એન્ટ્રી-લેવલની કોર્પોરેટ નોકરીઓમાં કામનું ભારણ વધુ અને પગાર મર્યાદિત હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
આ ચર્ચાએ સ્નાતકોને વિચારતા કરી દીધા છે કે શું માત્ર ડિગ્રી મેળવવી પૂરતી છે કે પછી સમયની સાથે કોઈ ચોક્કસ સેવામાં નિપુણતા મેળવવી વધુ ફાયદાકારક છે?

(10:05 PM IST)