હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"તમે કવિતા લખો, અમે ઇતિહાસ લખીએ છીએ": ૪.૧૩ લાખ કરોડની પૂરક ગ્રાન્ટ મુદ્દે નિર્મલા સીતારમણનો વિપક્ષને સણસણતો જવાબ
પૂરક માંગણીઓ એટલે નવો ખર્ચ નહીં પણ આર્થિક વ્યવસ્થાપન: મનરેગાના બાકી લેણાં અને ખેડૂતો માટે ખાતરના સ્ટોક માટે ખજાનો ખોલાયો, સંરક્ષણ ક્ષેત્રને મળી મોટી ફાળવણી

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા આર્થિક મોરચે સરકારની મજબૂત પકડનો પરિચય આપ્યો હતો. તેમણે ૪.૧૩ લાખ કરોડ રૂપિયાની પૂરક ગ્રાન્ટ રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, આ આંકડો જોઈને તેને 'નવો રોકડ ખર્ચ' માનવાની ભૂલ ન કરવી જોઈએ. આ ભંડોળનો મોટો ભાગ ટેકનિકલ એડજસ્ટમેન્ટ અને આંતરિક બચત દ્વારા સંચાલિત છે.
ખેડૂતો અને ગ્રામીણ ભારત માટે રાહતના સમાચાર
નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે પૂરક માંગણીઓમાંથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ મનરેગા (MGNREGA) ના બાકી બિલોની ચુકવણી માટે કરવામાં આવી છે. આ પગલાથી ૩૧ માર્ચ સુધીના તમામ લેણાં ચૂકવી દેવામાં આવશે. કૃષિ ક્ષેત્રે સરકારની દૂરંદેશીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, એપ્રિલ ૨૦૨૬ માટે ખાતરનો સ્ટોક ૧૬૩ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષ કરતા ૨૬% વધુ છે. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં ૯.૩ કરોડ ખેડૂતોને DBT દ્વારા સીધા ૪.૨૭ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
સંરક્ષણ અને સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં
દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, સંરક્ષણ સેવાઓના મહેસૂલ માટે ૪૧,૪૩૦ કરોડ રૂપિયા અને સ્પેક્ટ્રમ ચાર્જ માટે ૩૫,૨૯૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભૂતપૂર્વ સૈનિકોની આરોગ્ય સેવાઓ (ECHS) માટે પણ ૬,૧૪૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, સંરક્ષણ અને આર્થિક સ્થિરતા માટે આ ભંડોળ અનિવાર્ય છે.
વૈશ્વિક પડકારો અને આર્થિક બફર
વિશ્વમાં ચાલી રહેલી અસ્થિરતાનો ઉલ્લેખ કરતા નિર્મલા સીતારમણે જણાવ્યું કે, પૂરક માંગણીઓ નબળા બજેટિંગનું નહીં પણ યોગ્ય નાણાકીય પ્રતિભાવનું પ્રતીક છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા પૂછ્યું કે, "શું અણધાર્યા પડકારો માટે સરકારે ૫૦,૦૦૦ કરોડનું ઈક્વિટી ફંડ જેવું આર્થિક બફર ન બનાવવું જોઈએ?" તેમણે વિપક્ષના વલણને બેજવાબદાર ગણાવતા કહ્યું કે જ્યારે રાષ્ટ્રહિતની વાત હોય ત્યારે સાથે ઊભા રહેવાને બદલે વિપક્ષ માત્ર રાજનીતિ કરી રહ્યો છે.
પોતાના સંબોધનના અંતે તેમણે એક ધારદાર ટિપ્પણી કરતા કહ્યું, "તમે કવિતા લખતા રહો; અમે ઇતિહાસ લખી રહ્યા છીએ. અમે દેશનું ચિત્ર બદલી રહ્યા છીએ." આ નિવેદન સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર આર્થિક શિસ્ત અને વિકાસના માર્ગે મક્કમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
