સબરીમાલા વિવાદમાં કેરળ સરકારનો મોટો ‘યુ-ટર્ન’: હવે મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરશે પિનરાયી વિજયન સરકાર
ચૂંટણી પહેલા ભક્તોને રિઝવવા એલડીએફનો વ્યૂહાત્મક નિર્ણય: સુપ્રીમ કોર્ટમાં રિવાજો અને પરંપરાઓના રક્ષણની આપશે દલીલ, વિપક્ષે ગણાવ્યો રાજકીય સ્ટંટ

તિરુવનંતપુરમ : કેરળના રાજકારણમાં ફરી એકવાર સબરીમાલા મંદિરનો મુદ્દો ગરમાયો છે. અત્યાર સુધી મહિલાઓના પ્રવેશ મામલે ‘પ્રગતિશીલ’ વલણ ધરાવતી સીપીઆઈ(એમ) ની આગેવાની હેઠળની ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકારે આશ્ચર્યજનક વળાંક લીધો છે. જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકાર હવે સબરીમાલા અયપ્પા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની વય જૂથની મહિલાઓના પ્રવેશનો વિરોધ કરવાનું વિચારી રહી છે.
ચૂંટણીલક્ષી ગણિત અને ૨૦૧૮નો વિવાદ
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પિનરાયી વિજયન સરકારનો આ નિર્ણય ભક્તોની નારાજગી દૂર કરવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. યાદ અપાવી દઈએ કે ૨૦૧૮ માં જ્યારે સુપ્રીમ કોર્ટે તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી હતી, ત્યારે એલડીએફ સરકારે તેને લાગુ કરવાના જોરદાર પ્રયાસો કર્યા હતા. ૨ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ પોલીસ સુરક્ષામાં બિંદુ અમ્મિની અને કનકદુર્ગા નામની બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો, જેના પગલે સમગ્ર કેરળમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા.
સુપ્રીમ કોર્ટમાં બદલાશે સરકારનો સૂર
સીપીઆઈ(એમ) ના રાજ્ય સચિવ એમ.વી. ગોવિંદને સંકેત આપ્યો છે કે સરકાર વર્તમાન પરિસ્થિતિ અને કાનૂની પાસાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કરશે. અગાઉ સબરીમાલાનું સંચાલન કરતા ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) એ પણ પરંપરાઓનું રક્ષણ કરવા માટે મહિલા પ્રવેશનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે તમામ પક્ષોને ૧૪ માર્ચ સુધીમાં પોતાનો અભિપ્રાય રજૂ કરવા જણાવ્યું છે.
વિપક્ષના આકરા પ્રહાર
બીજી તરફ, કોંગ્રેસ અને ભાજપે સરકારના આ વલણને ‘રાજકીય તકવાદ’ ગણાવ્યો છે. વિપક્ષી નેતા વી.ડી. સતીસને કહ્યું કે, "સરકારને શ્રદ્ધાળુઓની નહીં પણ માત્ર ચૂંટણીમાં મતોની ચિંતા છે." વિપક્ષે માંગ કરી છે કે સરકાર ભક્તોની માફી માંગે અને અગાઉના વિરોધ પ્રદર્શનો દરમિયાન નિર્દોષ ભક્તો સામે નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચે.
ભગવાન અયપ્પા ‘નૈષ્ટિક બ્રહ્મચારી’ હોવાની માન્યતાને કારણે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા હવે કાનૂની અને રાજકીય લડાઈનું કેન્દ્ર બની છે. આગામી દિવસોમાં આ મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર સમગ્ર દેશની નજર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
