<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સાવધાન! દુબઈમાં મિસાઈલ હુમલાનો વીડિયો બનાવવો બ્રિટિશ પ્રવાસી સહિત ૨૦ લોકોને ભારે પડ્યો: જેલ અને લાખોના દંડની લટકતી તલવાર

સોશિયલ મીડિયા પર ઈરાની હુમલાના ફૂટેજ શેર કરવા બદલ UAE સરકારે લીધા આકરા પગલાં: સાયબર ક્રાઈમ કાયદા હેઠળ દેશનિકાલ સુધીની થઈ શકે છે સજા

દુબઈ : જો તમે હાલમાં દુબઈ કે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની મુલાકાતે હોવ, તો તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા પહેલા દસ વાર વિચારજો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, દુબઈ પોલીસે એક ૬૦ વર્ષીય બ્રિટિશ પ્રવાસી સહિત ૨૦ લોકો પર ઈરાની મિસાઈલ હુમલાના વીડિયો બનાવવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ ગંભીર આરોપો મૂક્યા છે.
વીડિયો ડિલીટ કર્યો છતાં કાયદાનો શિકાર
રિપોર્ટ મુજબ, લંડનના રહેવાસી આ પ્રવાસીએ દુબઈમાં ઈરાની મિસાઈલ હુમલાનું શૂટિંગ કર્યું હતું. જોકે, પૂછપરછ દરમિયાન તેણે તરત જ તેના ફોનમાંથી વીડિયો ડિલીટ કરી દીધો હતો, તેમ છતાં UAE ના કડક સાયબર ક્રાઈમ કાયદા હેઠળ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સત્તાવાળાઓનું માનવું છે કે આવી સામગ્રી શેર કરવાથી જાહેર સુરક્ષા જોખમાઈ શકે છે અને અફવાઓ ફેલાઈ શકે છે.
ભારે દંડ અને જેલની જોગવાઈ
‘ડિટેન્ડ ઇન દુબઈ’ સંસ્થાના જણાવ્યા અનુસાર, આ કાયદો એટલો કડક છે કે માત્ર મૂળ પોસ્ટ કરનાર જ નહીં, પણ તે વીડિયોને લાઈક કે રી-શેર કરનારા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ ગુના માટે બે વર્ષ સુધીની જેલ અને ૨૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ AED (આશરે રૂ. ૪.૫ લાખ થી ૪૫ લાખ) સુધીનો મસમોટો દંડ થઈ શકે છે. વિદેશી નાગરિકોને સજા ભોગવ્યા બાદ દેશનિકાલ (Deportation) નો પણ સામનો કરવો પડી શકે છે.
યુદ્ધના મેદાનમાં નિયમો વધુ કડક
માત્ર UAE જ નહીં, પણ ઈઝરાયેલ અને ઈરાને પણ મિસાઈલ હુમલાના સ્થળો, લશ્કરી યોજનાઓ અથવા એર ડિફેન્સ સિસ્ટમના લાઈવ ફૂટેજ બતાવવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે. સરકારો ચિંતિત છે કે આવા વીડિયો દ્વારા દુશ્મન દેશને હુમલાના ચોક્કસ લોકેશન અને તેની અસરોની ગુપ્ત માહિતી મળી શકે છે. બીજી તરફ, ઈરાનના મીનાબ શહેરમાં એક શાળા પર થયેલા હુમલામાં ૧૫૦ થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, પરંતુ ત્યાં પણ મીડિયા પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
દુબઈ ગયેલા પ્રવાસીઓ અને ઈન્ફ્લુએન્સર્સ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે, જ્યાં એક નાનકડી સોશિયલ મીડિયા પોસ્ટ આખી જિંદગીની મુસીબત બની શકે છે.

(10:05 PM IST)