<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

વ્હાઇટ હાઉસમાં વિસ્ફોટ: “ટ્રમ્પ પહેલા પણ ખોટા હતા અને આજે પણ છે!”: પૂર્વ NSA જોન બોલ્ટને પોતાની જ સરકારની ઈરાન નીતિના લીરા ઉડાડ્યા!

વ્યૂહરચના વગરનું ‘આવેગજન્ય’ યુદ્ધ અમેરિકાને ડૂબાડશે? બોલ્ટને ટ્રમ્પની ગણતરીઓને ગણાવી મોટી ભૂલ : નેતન્યાહૂએ નહીં પણ ટ્રમ્પે પોતે ખેંચ્યું છે વિનાશનું બટન : 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા જંગમાં અમેરિકા ફસાયું હોવાનો દાવો

વોશિંગ્ટન  :  અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના મેદાનમાં માત્ર મિસાઈલો જ નથી છૂટી રહી, પરંતુ વોશિંગ્ટનના સત્તાના ગલિયારાઓમાં પણ શબ્દોના બાણ ચાલી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જોન બોલ્ટને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મોરચો ખોલતા વિસ્ફોટક નિવેદન આપ્યું છે. બોલ્ટને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ માટે ટ્રમ્પની "અસ્પષ્ટ અને અપરિપક્વ" નીતિઓને જવાબદાર ઠેરવી છે. ક્લેશ રિપોર્ટ સાથેની ખાસ મુલાકાતમાં બોલ્ટને સણસણતો આરોપ લગાવ્યો કે, ટ્રમ્પે ઈરાનમાં સત્તા પરિવર્તનની જે ગણતરી કરી હતી તે સંપૂર્ણપણે ખોટી પડી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "જો ટ્રમ્પ એમ વિચારતા હોય કે વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ દબાણ લાવીને જીતી શકાશે, તો તેઓ ગઈકાલે પણ ખોટા હતા અને આજે પણ ખોટા છે."

બોલ્ટનનો સૌથી ગંભીર આક્ષેપ એ છે કે વ્હાઇટ હાઉસ અત્યારે કોઈ પણ 'બ્લુપ્રિન્ટ' કે નક્કર યોજના વગર આ મહાયુદ્ધમાં કૂદી પડ્યું છે. તેમના મતે, લશ્કરી કાર્યવાહી જેવા સંવેદનશીલ નિર્ણયો લાંબા ગાળાની વ્યૂહરચના અને ગંભીર તૈયારી માંગી લે છે, પરંતુ ટ્રમ્પ વહીવટતંત્ર માત્ર 'આવેગ' (Impulse) ના આધારે નિર્ણયો લઈ રહ્યું છે. આ વિરોધાભાસી વલણને કારણે ઈરાનને એવો સંદેશ જઈ રહ્યો છે કે અમેરિકા મોટી લશ્કરી કાર્યવાહી કરતા ખચકાઈ રહ્યું છે. જોકે, રસપ્રદ વાત એ છે કે બોલ્ટને અમેરિકી સૈન્યની તાકાતના વખાણ કર્યા છે, પરંતુ નેતૃત્વની ક્ષમતા પર મોટા સવાલો ઉભા કર્યા છે, જે ટ્રમ્પ માટે ઘરઆંગણે જ મુશ્કેલી ઉભી કરી શકે છે.

યુદ્ધના ઉદભવ વિશે વાત કરતા બોલ્ટને એક મહત્વનો ખુલાસો કર્યો કે, ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાને આ જંગમાં ધકેલ્યું નથી, પરંતુ આ નિર્ણય સંપૂર્ણપણે ટ્રમ્પનો વ્યક્તિગત એજન્ડા હતો. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અમેરિકા અને ઈઝરાયલે ભલે ઈરાની પરમાણુ અને લશ્કરી થાણાઓને નુકસાન પહોંચાડ્યું હોય, પણ ઈરાનના વળતા મિસાઈલ અને ડ્રોન હુમલાએ આ વિસ્તારને નરકમાં ફેરવી દીધો છે. બોલ્ટનની આ ટીકા એવા સમયે આવી છે જ્યારે ગલ્ફ દેશોમાં તેલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને અમેરિકામાં પણ આ યુદ્ધની આર્થિક અસરો દેખાવા લાગી છે.

(10:33 PM IST)