<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ભુખ લાગી છે, પકોડા લાવી આપોને...! પતિ બસમાંથી નીચે ઉતર્યો ને દુલ્‍હન રફુચક્કર

મુરાદાબાદના બિલારી બસ સ્‍ટેન્‍ડ પરથી એક નવી નવેલી દુલ્‍હન અચાનક ગાયબ થઈ જતા ભારે હોબાળો મચી ગયો

મુરાદાબાદ,તા.૧૪: મુરાદાબાદના બિલારી બસ સ્‍ટેન્‍ડ પરથી એક નવી નવેલી દુલ્‍હન અચાનક ગાયબ થઈ જતા ભારે હોબાળો મચી ગયો હતો. બસમાં બેઠેલી મહિલાએ ભૂખ લાગી હોવાનું કહી તેના પતિને પકોડા લાવવા માટે નીચે મોકલ્‍યો હતો. આ દરમિયાન પોતે બસમાંથી ઉતરીને અચાનક ક્‍યાંક ગાયબ થઈ ગઈ હતી. પતિએ તેની પત્‍ની પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની શંકા વ્‍યક્‍ત કરી છે. આ શંકાના આધારે તેણે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, અમરોહા જિલ્‍લાના હસનપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલા ગામ ઓસામાફીના પ્રીતમ સિહના લગ્ન ૧ ડિસેમ્‍બર, ૨૦૨૫ના રોજ રામપુર જિલ્‍લાના સૈફની પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલા ગામ સાગરપુરની ૧૮ વર્ષીય રિમઝિમ સાથે થયા હતા. હોળી-ધુળેટીનો તહેવાર મનાવવા માટે રિમઝિમ લગભગ એક અઠવાડિયા પહેલા પોતાના પિયર ગઈ હતી. ૯ માર્ચ ૨૦૨૬ના રોજ પ્રીતમ સિહ પોતાની પત્‍નીને પિયરથી ઘરે લઈ જઈ રહ્યો હતો. બંને સૈફનીથી બિલારી સુધી બસમાં આવ્‍યા અને ત્‍યાંથી મુરાદાબાદ જવા માટે રોડવેજ બસમાં બેઠા હતા.

પ્રીતમ સિંહના પિતાએ જણાવ્‍યું કે, બપોરે લગભગ ૨ વાગ્‍યે બિલારી બસ સ્‍ટેન્‍ડ પર બસ રોકાઈ ત્‍યારે રિમઝિમે પતિને પકોડા ખાવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી અને તેને નજીકની કેન્‍ટીનમાંથી પકોડા અને પાણી લાવવા માટે મોકલ્‍યો હતો. પતિ થોડા સમય પછી પકોડા લઈને બસમાં પાછો આવ્‍યો, ત્‍યારે પત્‍ની પોતાની સીટ પર નહોતી.

પ્રીતમ સિંહે પત્‍નીના મોબાઈલ પર કોલ કર્યો તો ફોન સ્‍વિચ ઓફ હતો. બસમાં બેઠેલા મુસાફરોને પૂછપરછ કરતા જાણવા મળ્‍યું કે, મહિલા કોઈ સાથે ફોન પર વાત કરતી-કરતી બસમાંથી નીચે ઉતરી ગઈ હતી. લાંબા સમય સુધી બસ સ્‍ટેન્‍ડ અને આસપાસના વિસ્‍તારમાં શોધખોળ છતાં પણ કોઈ પત્તો મળ્‍યો નહીં. ત્‍યારબાદ પ્રીતમ સિહે બિલારી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે શંકા વ્‍યક્‍ત કરી છે કે, તેની પત્‍ની રિમઝિમ રામપુર જિલ્‍લાના સૈફની પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલા ગામ સાગરપુરના ઇમરાન નામના યુવાન સાથે ભાગી છે.

પતિના જણાવ્‍યા મુજબ, રિમઝિમની ઊંચાઈ લગભગ ૫ ફૂટ ૩ ઇંચ અને રંગ ગોરો છે. પ્રીતમ સિહના પિતાએ કહ્યું કે, અમને કંઈ ખબર નહોતી કે આવું થશે અને અમને કોઈ પર શંકા પણ નહોતી. પોલીસે પ્રીતમ સિહની ફરિયાદના આધારે રિમઝિમની ગુમ થયાની અરજી નોંધી લીધી છે. બિલારી પોલીસ સ્‍ટેશનના જણાવ્‍યા મુજબ, કેસની તપાસ SI વિનીત કુમારને સોંપવામાં આવી છે અને મહિલાની શોધખોળ ચાલી રહી છે. 

(10:21 AM IST)