<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

પશ્ચિમ એશિયામાં ભારે તણાવ: ઇરાકમાં ઈરાન સમર્થિત સંગઠનોએ અમેરિકી સૈન્ય અધિકારીઓની બાતમી આપનાર માટે ૧ કરોડ રૂપિયાના ઇનામની કરી જાહેરાત

અમેરિકાએ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સહિત ૧૦ નેતાઓ પર ૯૨ કરોડનું ઇનામ જાહેર કર્યા બાદ ઇસ્લામિક રેઝિસ્ટન્સ ગ્રુપે વળતો પ્રહાર કર્યો

બગદાદ: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ઇરાકમાં સક્રિય અને ઈરાનનું સમર્થન ધરાવતા ‘ઇસ્લામિક રેઝિસ્ટન્સ’ નામના હથિયારબંધ સંગઠનોએ અમેરિકા સામે મોરચો માંડ્યો છે. ૧૩ માર્ચના રોજ જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ સંગઠનોએ જાહેરાત કરી છે કે, ઇરાક અથવા તેની આસપાસના વિસ્તારોમાં કાર્યરત અમેરિકી મિલિટ્રી અધિકારીઓ કે ગુપ્તચર એજન્સીના જાસૂસોની સચોટ માહિતી આપનાર વ્યક્તિને ૧૫૦ મિલિયન ઇરાકી દીનાર (આશરે ૧ કરોડ ભારતીય રૂપિયા) નું ઇનામ આપવામાં આવશે.
બાતમીદારોની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી
ઈરાનના સરકારી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, ઇસ્લામિક રેઝિસ્ટન્સ ગ્રુપે જણાવ્યું છે કે આ ઇનામ એવા વ્યક્તિને આપવામાં આવશે જે ઉચ્ચ સ્તરીય અમેરિકી સૈન્ય અધિકારીઓ અથવા જાસૂસોની ઓળખ કરી આપે અથવા તેમની ધરપકડ જેવી કાર્યવાહીમાં મદદરૂપ થાય તેવી એડવાન્સ ઇન્ટેલિજન્સ પૂરી પાડે. આ જાહેરાત ઇરાકી નાગરિકો તેમજ દેશમાં રહેતા વિદેશી રહેવાસીઓ બંને માટે લાગુ પડશે. સંગઠને દાવો કર્યો છે કે રેઝિસ્ટન્સ ગ્રુપોની વધતી તાકાતને કારણે અમેરિકી અધિકારીઓ હવે સૈન્ય મથકો છોડીને સામાન્ય નાગરિક વિસ્તારોમાં છુપાઈ રહ્યા છે. સંગઠને ખાતરી આપી છે કે માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેમને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે.
અમેરિકાનો ઈરાની નેતાઓ પર વળતો પ્રહાર
બીજી તરફ, અમેરિકાએ પણ ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવતા ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પર ભારે ઇનામની જાહેરાત કરી છે. અમેરિકી વિદેશ વિભાગે અયાતુલ્લા અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ સહિત ઈરાનના ૧૦ વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સામેલ વ્યક્તિઓની માહિતી આપનારને ૧ કરોડ ડોલર (આશરે ૯૨.૬૦ કરોડ રૂપિયા) નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રિવોર્ડ્સ ફોર જસ્ટિસ પ્રોગ્રામ હેઠળ કાર્યવાહી
અમેરિકી વિદેશ વિભાગે તેના 'રિવોર્ડ્સ ફોર જસ્ટિસ' પ્રોગ્રામ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં ૧૦ ઈરાની નેતાઓને 'આતંકવાદી' ગણાવી તેમની વિગતો માંગવામાં આવી છે. આ ઘટનાક્રમને પગલે પશ્ચિમ એશિયામાં બંને પક્ષો વચ્ચે ઇનામની જાહેરાતો દ્વારા એક પ્રકારનું 'ઇન્ટેલિજન્સ વૉર' શરૂ થયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ઇરાકી જૂથોએ જણાવ્યું છે કે અમેરિકી એજન્સીઓની માહિતી ઇરાકના અલગ-અલગ ભાગોમાં આવેલા રેઝિસ્ટન્સ હેડક્વાર્ટર સુધી સુરક્ષિત માધ્યમો દ્વારા પહોંચાડવી જોઈએ.

(3:38 PM IST)