<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ઇન્સ્ટાગ્રામ પર હવે તમારી વાતો 'ખાનગી' નહીં રહે: મેટાએ લીધો ચોંકાવનારો નિર્ણય : 8 મેથી સુરક્ષા કવચ હટાવાશે

વપરાશકર્તાઓની ગોપનીયતા જોખમમાં? : ઇન્સ્ટાગ્રામ ડીએમ (DM) માંથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દૂર કરવાની જાહેરાત સાથે મેટાએ ખાનગી ચેટ્સ માટે વોટ્સએપનો રસ્તો પકડવા આપી સલાહ

નવી દિલ્હી  :  સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે એક એવો નિર્ણય લીધો છે જે ટેક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગામી 8 મે, 2026 થી ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન'  ની સુવિધા કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. આ સુવિધા અત્યાર સુધી તમારી ચેટ્સને એવી રીતે સુરક્ષિત રાખતી હતી કે મોકલનાર અને મેળવનાર સિવાય ખુદ મેટા પણ તે સંદેશા વાંચી શકતું નહોતું. જોકે, હવે આ સુરક્ષા સ્તર હટાવી લેવાતા તમારી ખાનગી વાતચીત પર કંપની અથવા કાયદા અમલીકરણ એજન્સીઓની નજર રહેવાની શક્યતા વધી ગઈ છે.

મેટાએ આ નિર્ણય પાછળનું કારણ જણાવતા કહ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર આ ફીચરનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. મોટાભાગના યુઝર્સને તો ખબર પણ નહોતી કે મેનૂમાં અંદર આ સુરક્ષા ફીચર ક્યાં છુપાયેલું છે. કંપનીના પ્રવક્તાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જેમને હજુ પણ 'એનક્રિપ્ટેડ' વાતચીત કરવી હોય તેઓ વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે. નિષ્ણાતો માને છે કે બાળ સુરક્ષા જૂથો અને કાયદાકીય એજન્સીઓના સતત દબાણને કારણે મેટાએ આ પગલું ભર્યું હોઈ શકે છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવી સરળ બને.

આ ફેરફાર તમારા માટે કેટલો જોખમી છે? જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ માત્ર મીમ્સ શેર કરવા કે સામાન્ય વાતો માટે કરો છો, તો કદાચ તમને કોઈ મોટો ફેરફાર નહીં જણાય. પરંતુ, જો તમે બેંકિંગ વિગતો, ખાનગી હેલ્થ રેકોર્ડ્સ કે કોઈ ગુપ્ત બિઝનેસ પ્લાન્સ ડીએમ (DM) માં શેર કરતા હોવ, તો સાવચેત થઈ જવાની જરૂર છે. એન્ક્રિપ્શન વગર તમારી ચેટ્સ હવે પ્લેટફોર્મના સર્વર પર વધુ સુલભ હશે. તેથી, 8 મે પહેલા તમારી મહત્વપૂર્ણ અને ખાનગી વાતચીતને અન્ય સુરક્ષિત પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી લેવી હિતાવહ છે.

(6:41 PM IST)