<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

UAE જનારા ભારતીયો માટે 'બમ્પર' ઓફર: વિઝા એક્સપાયર થઈ ગયા હોય તો પણ મળશે એન્ટ્રી, દંડમાં પણ મળી મોટી માફી!

દુબઈ રિટર્ન થવા માંગતા રહેવાસીઓ માટે યુએઈ સરકારનો ઐતિહાસિક નિર્ણય; હવે ૩૧ માર્ચ સુધી કોઈ પણ ટેન્શન વગર માદરે વતન પાછા ફરી શકાશે

દુબઈ : સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહીને નોકરી કે વ્યવસાય કરતા હજારો ભારતીયો અને અન્ય વિદેશી રહેવાસીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતા અને મુસાફરીમાં આવતા અવરોધોને ધ્યાનમાં રાખીને, યુએઈની ફેડરલ ઓથોરિટી (ICP) એ એક અત્યંત માનવીય અને રાહતજનક નિર્ણય લીધો છે. હવે જે રહેવાસીઓના રેસિડેન્સી વિઝા વિદેશમાં રોકાણ દરમિયાન સમાપ્ત (Expire) થઈ ગયા છે, તેમને દેશમાં ફરીથી પ્રવેશવાની ખાસ મંજૂરી આપવામાં આવી છે.
સામાન્ય રીતે વિઝા એક્સપાયર થયા પછી પ્રવેશ માટે લાંબી કાનૂની પ્રક્રિયા અને ભારે દંડ ભરવો પડતો હોય છે, પરંતુ આ નવા કામચલાઉ નિયમ મુજબ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી મુસાફરો પાસેથી કોઈ પણ પ્રકારનો દંડ વસૂલવામાં આવશે નહીં. જે રહેવાસીઓના વિઝા ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ કે ત્યારપછી સમાપ્ત થયા હોય, તેઓ નવી એન્ટ્રી પરમિટ લીધા વગર જ સીધા યુએઈ જઈ શકશે અને ત્યાં પહોંચ્યા પછી ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના વિઝા રિન્યૂ કરાવી શકશે.
એરપોર્ટ પર શું ધ્યાન રાખવું?
આ રાહતનો લાભ લેવા માંગતા મુસાફરોએ એરપોર્ટ પર ચેક-ઇન કરતી વખતે તેમનું જૂનું (મુદત પૂરી થયેલું) અમીરાત આઈડી (Emirates ID) અથવા રેસિડેન્સી વિઝાની ડિજિટલ કોપી સાથે રાખવી ફરજિયાત છે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ફસાયેલા લોકોને પોતાના ઘરે અને કામ પર સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે.
જો તમે પણ લાંબા સમયથી ભારત કે અન્ય દેશમાં અટવાયેલા હોવ અને વિઝાની ચિંતામાં હોવ, તો ૩૧ માર્ચ પહેલા આ સુવર્ણ તકનો લાભ લઈ લેવો હિતાવહ છે, કારણ કે આ તારીખ પછી ફરીથી જૂના કડક નિયમો લાગુ કરી દેવામાં આવશે.

(6:51 PM IST)