News of Saturday, 14th March 2026
શું ઈરાનનું યુદ્ધ ભારતમાં 'અગનગોળા' વરસાવશે? યુદ્ધના ધુમાડાથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો, ઉનાળો બનશે વધુ ભીષણ!
બોમ્બમારા અને ઓઈલના કુવાઓની આગથી લાખો ટન ઝેરી ગેસ વાતાવરણમાં ભળ્યો; વૈશ્વિક તાપમાનમાં ૨.૫ ડિગ્રી સુધીના વધારાની આશંકાએ વિજ્ઞાનીઓની ઉંઘ ઉડાડી.

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ખેલાઈ રહેલા જંગની અસર માત્ર સરહદો કે અર્થતંત્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની માઠી અસર હવે પૃથ્વીના વાતાવરણ પર પણ જોવા મળી રહી છે. ઈરાન યુદ્ધને કારણે વાતાવરણમાં ફેલાઈ રહેલું કાર્બન ઉત્સર્જન ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભીષણ ગરમી અને જળવાયુ પરિવર્તન (Climate Change) નું કારણ બની શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધે અગાઉ ૩૫ મિલિયન ટન કાર્બન ઉત્સર્જન કર્યું હતું, ત્યારે હવે ઈરાનના ઓઈલ કુવાઓમાં લાગેલી આગ પર્યાવરણ માટે મોટું સંકટ બની રહી છે.
તાપમાનમાં ૨.૫ ડિગ્રીનો તોતિંગ વધારો?
પર્યાવરણ નિષ્ણાતોના મતે, યુદ્ધ દરમિયાન થતા વિસ્ફોટો અને આગને કારણે ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એક અનુમાન મુજબ, આ ઉત્સર્જનને કારણે વૈશ્વિક તાપમાનમાં ૨.૩ થી ૨.૫ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. જો આવું થશે, તો ભારતમાં ઉનાળા દરમિયાન પારો સામાન્ય કરતા ઘણો ઊંચો જશે અને હીટવેવની ઘટનાઓ વધુ ઘાતક બનશે. પેરીસ સમજૂતી હેઠળ જે ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસો થયા હતા, તેને આ યુદ્ધે દાયકાઓ પાછળ ધકેલી દીધા છે.
કોલસાનો વધતો વપરાશ: પડતા પર પાટું
ઈરાન એક મોટો ઓઈલ ઉત્પાદક દેશ હોવાથી, યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં મોટો વિક્ષેપ પડ્યો છે. ઉર્જા સંકટને પહોંચી વળવા માટે હવે ઘણા દેશો ફરીથી 'કોલસા' પર નિર્ભર થઈ રહ્યા છે. કોલસાનો વધુ પડતો વપરાશ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું સ્તર ઝડપથી વધારે છે, જે ગરમી વધારવા માટે મુખ્ય જવાબદાર પરિબળ છે.
પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર જોખમ
નિષ્ણાતોએ સૂચન કર્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સંયુક્ત રાષ્ટ્ર (UNEP) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની ટીમો મોકલવી જોઈએ. યુદ્ધના કારણે માત્ર જાનમાલનું જ નુકસાન નથી થતું, પણ તે આવનારી પેઢીઓ માટે અસહ્ય ગરમી અને બીમારીઓનું ભાથું પણ બાંધે છે. જો યુદ્ધ જલ્દી નહીં અટકે, તો આવનારા વર્ષોમાં ભારતના મેદાની પ્રદેશોમાં રહેવું મુશ્કેલ બની જશે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
