<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

વિશ્વયુદ્ધના ભણકારા? મધ્ય પૂર્વની આગ હવે એશિયામાં પ્રસરી: નોર્થ કોરિયાએ જાપાન તરફ એકસાથે 10 મિસાઇલો છોડી મચાવ્યો હડકંપ!

કિમ જોંગ ઉનનો ટ્રમ્પને મિસાઇલથી જવાબ: અમેરિકા અને દક્ષિણ કોરિયાની સૈન્ય કવાયતથી ભડકેલા ઉત્તર કોરિયાએ સમુદ્રમાં કર્યો પ્રચંડ વિસ્ફોટ; જાપાન અને દક્ષિણ કોરિયા હાઈ-એલર્ટ પર.

મુંબઈ: વિશ્વ અત્યારે મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના ભયાનક સંઘર્ષ પર નજર રાખી રહ્યું છે, ત્યારે જ એશિયાના બીજા છેડે ઉત્તર કોરિયાએ પરમાણુ યુદ્ધની ધમકી જેવી હરકત કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. શનિવારે બપોરે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને જાપાન તરફ એક-બે નહીં પણ એકસાથે ૧૦ થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડીને યુદ્ધનો માહોલ પેદા કરી દીધો છે.
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (JCS) ના જણાવ્યા અનુસાર, પ્યોંગયાંગના સુનાન વિસ્તારમાંથી આ મિસાઇલો છોડવામાં આવી હતી, જે સીધી જાપાનના સમુદ્રમાં પડી છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરતા તેને પ્રાદેશિક સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે.
ટ્રમ્પની રાજદ્વારી ઓફરનો મિસાઇલથી વળતો પ્રહાર
ચોંકાવનારી વાત એ છે કે આ પ્રક્ષેપણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ કોરિયાના વડાપ્રધાન વચ્ચેની મુલાકાતના ૨૪ કલાકની અંદર જ થયું છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કિમ જોંગ ઉન સાથેના સંબંધોનો ઉલ્લેખ કરી સંવાદની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કિમ જોંગ ઉને વાતચીત કરવાને બદલે મિસાઇલ છોડીને સંકેત આપી દીધો છે કે તેઓ અત્યારે કોઈ પણ પ્રકારની નરમાશ બતાવવાના મૂડમાં નથી.
શા માટે ભડક્યું છે નોર્થ કોરિયા?
નિષ્ણાતોના મતે, આ મિસાઇલ પ્રક્ષેપણ ૯ માર્ચથી શરૂ થયેલી અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત સૈન્ય કવાયત 'ફ્રીડમ શીલ્ડ' નો તીવ્ર પ્રતિભાવ છે. કિમ જોંગ ઉનની બહેન કિમ યો-જોંગે પહેલેથી જ ચેતવણી આપી હતી કે દુશ્મન દેશોની લશ્કરી ઉશ્કેરણીના પરિણામો "વિનાશક" આવશે. આ મિસાઇલ ટેસ્ટ એ સાબિતી છે કે ઉત્તર કોરિયા તેને પોતાના પરના આક્રમણના રિહર્સલ તરીકે જોઈ રહ્યું છે.
ઇરાનનો મામલો પણ ગરમાયો
બીજી તરફ, મધ્ય પૂર્વમાં ઇરાને પણ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ કરવાની ધમકી આપીને વૈશ્વિક વેપાર પર સંકટ ઊભું કર્યું છે. જોકે, ઇરાને ભારતને પોતાનો મિત્ર ગણાવ્યો છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞાએ સ્થિતિ વધુ વણસાવી છે.
હાલમાં અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા ત્રણેય દેશો વાસ્તવિક સમયમાં માહિતી શેર કરી રહ્યા છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે પોતાની સેનાને સજ્જ કરી દીધી છે. એશિયામાં વધતો આ સૈન્ય તણાવ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ તો નથી ધકેલી રહ્યો ને? તેવો પ્રશ્ન અત્યારે સંરક્ષણ નિષ્ણાતોને સતાવી રહ્યો છે.

(7:47 PM IST)