<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

યુપીના રાજકારણમાં કાંશીરામ 'કેન્દ્રબિંદુ': રાહુલ ગાંધીની 'ભારત રત્ન'ની માંગ પર માયાવતીનો વિસ્ફોટક પલટવાર

દલિત મતોના અસ્તિત્વની લડાઈમાં કોંગ્રેસ, સપા અને ભાજપ વચ્ચે કાંશીરામના વારસાને હડપવાની હોડ જામી: માયાવતીએ જૂના જખમો તાજા કરી કોંગ્રેસને ઇતિહાસનો અરીસો બતાવ્યો

લખનૌ :  ઉત્તર પ્રદેશના રાજકીય ફલક પર ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના પડઘમ અત્યારથી જ સંભળાઈ રહ્યા છે, અને આ લડાઈના કેન્દ્રમાં અત્યારે બહુજન નાયક માન્યવર કાંશીરામ છે. લખનૌમાં કોંગ્રેસ દ્વારા આયોજિત કાંશીરામ જન્મજયંતિના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ દલિત કાર્ડ ખેલતા કાંશીરામ માટે 'ભારત રત્ન'ની માંગ કરી હતી. રાહુલે સ્વીકાર્યું હતું કે જો ભૂતકાળમાં કોંગ્રેસે દલિતો પર પૂરતું ધ્યાન આપ્યું હોત તો કદાચ કાંશીરામ જેવા વૈકલ્પિક નેતૃત્વની જરૂર ન પડી હોત. તેમણે એમ પણ ઉમેર્યું કે જો નેહરુ જીવતા હોત તો કાંશીરામ યુપીના મુખ્યમંત્રી હોત. રાહુલનો આ આકસ્મિક પ્રેમ વાસ્તવમાં કોંગ્રેસના ગુમાવેલા દલિત વોટબેંકને પાછી મેળવવાની એક સુનિયોજિત રણનીતિ માનવામાં આવે છે.

જોકે, બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ રાહુલના આ નિવેદન પર અત્યંત આકરો પ્રહાર કરી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. માયાવતીએ કોંગ્રેસના ઈતિહાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જે પક્ષે બાબા સાહેબ આંબેડકરને દાયકાઓ સુધી ભારત રત્નથી વંચિત રાખ્યા અને કાંશીરામના અવસાન સમયે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવાની પણ દરકાર ન કરી, તે આજે કયા મોઢે સન્માનની વાતો કરે છે? માયાવતીના મતે, આ માત્ર ચૂંટણીલક્ષી ઢોંગ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દલિતોના અસલી હિતેચ્છુ હોવાનો દાવો કરનારી કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે તેમણે કાંશીરામની સતત અવગણના જ કરી હતી, જેનો જવાબ હવે જનતા આપશે.

માત્ર કોંગ્રેસ જ નહીં, અખિલેશ યાદવ અને ભાજપ પણ આ 'ક્રેડિટ વોર'માં પાછળ નથી. અખિલેશ યાદવ મુલાયમ સિંહ અને કાંશીરામના જૂના ગઠબંધનને યાદ કરી સપા-બસપાના સંયુક્ત વારસાને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે ભાજપની અંદર પણ એક મોટો વર્ગ માને છે કે જો મોદી સરકાર કાંશીરામને ભારત રત્ન આપે તો વિપક્ષનો દલિત એજન્ડા સંપૂર્ણપણે ફિક્કો પડી શકે છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દલિત મતોનું જે રીતે વિભાજન થયું હતું, તેને જોતા ૨૦૨૭માં 'જાટવ' વોટબેંક જેની તરફ નમશે, તેના માટે સત્તાના સિંહાસન સુધી પહોંચવું સરળ બનશે. આથી જ અત્યારે દરેક પક્ષ કાંશીરામના નામે પોતાની રાજકીય નૈયા પાર ઉતારવા મથામણ કરી રહ્યો છે.

(8:13 PM IST)