<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

મિશન એલપીજી: હોર્મુઝમાં ભારતીય જહાજોની સાહસિક કૂચ : ઈંધણ સંકટના વાદળો વિખેરાયા અને રાજદ્વારી રણનીતિમાં ભારતનો ડંકો

યુદ્ધના મેદાન વચ્ચેથી 92,700 મેટ્રિક ટન રાંધણ ગેસ લઈને 'શિવાલિક' અને 'નંદા દેવી' ભારત ભણી રવાના: ઈરાની સૈનિકોને વતન મોકલી દેશે દુનિયાને માનવતા અને કુટનીતિનો અનોખો પાઠ ભણાવ્યો

નવી દિલ્હી :  પશ્ચિમ એશિયાના રણમેદાનમાં જ્યારે ઈરાન અને ઈઝરાયેલ સામસામે બળદની જેમ શિંગડા ભેરવી રહ્યા છે, ત્યારે ભારતે પોતાની ઉર્જા સુરક્ષા અને રાજદ્વારી પ્રભુત્વના જોરે વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. સમગ્ર વિશ્વ જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને ગેસના સપ્લાય ખોરવાઈ જવાની આશંકાથી થરથર કાંપી રહ્યું હતું, ત્યારે ભારતના બે જાયન્ટ જહાજો 'શિવાલિક' અને 'નંદા દેવી' એ મોતના મુખ સમાન આ સમુદ્રી માર્ગને સફળતાપૂર્વક પાર કરી લીધો છે. આગામી 48 કલાકમાં 92,700 મેટ્રિક ટન LPG નો જંગી જથ્થો ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરે ઉતરશે. આ માત્ર એક ઈંધણનો જથ્થો નથી, પરંતુ ભારતના કરોડો રસોડામાં સળગતા સ્ટવને અવિરત રાખવાની સરકારની પ્રતિબદ્ધતાની જીત છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પર્સિયન ગલ્ફમાં હાલમાં 22 ભારતીય જહાજો નૌકાદળની બાજ નજર હેઠળ સુરક્ષિત છે, જે દેશની ઉર્જા સુરક્ષાનું અભેદ કવચ બનીને ઉભા છે.

બીજી તરફ, ભારત સરકારે ગભરાટમાં આવીને થતા ગેસ બુકિંગ અને કાળાબજાર સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે ચોંકાવનારા આંકડા આપતા જણાવ્યું કે અફવાઓના કારણે LPG બુકિંગ પ્રતિદિન 7.5 મિલિયનથી વધીને 8.8 મિલિયન સુધી પહોંચી ગયું છે. જોકે, સરકારે જનતાને ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનું ઉત્પાદન પર્યાપ્ત છે અને ગભરાટ ભર્યા બુકિંગની કોઈ જ જરૂર નથી. 29 રાજ્યોમાં વાણિજ્યિક સિલિન્ડરનો પુરવઠો ફરીથી પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે, જે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે સંજીવની સમાન સાબિત થશે. સરકારની આ તત્પરતાએ બજારમાં સક્રિય સંગ્રહખોરો પર એક પ્રકારની 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' કરી છે, જેનાથી ભાવોને નિયંત્રણમાં રાખવામાં મોટી સફળતા મળી છે.

આ કટોકટી વચ્ચે ભારતની રાજદ્વારી કુશળતા પણ ખીલી ઉઠી છે. ભારતે પોતાની ધરતી પર ફસાયેલા ઈરાની સૈનિકો અને 'લાવાન' જહાજના ક્રૂ સભ્યોને સન્માનપૂર્વક ઈરાની ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા વતન પરત મોકલીને 'વસુધૈવ કુટુંબકમ' ની ભાવના ચરિતાર્થ કરી છે. આ એક એવું પગલું છે જેનાથી ઈરાનની ઈચ્છા પણ પૂરી થઈ અને પશ્ચિમ એશિયામાં ભારતના પ્રભાવમાં પણ વધારો થયો. આ ઉપરાંત, ખાડી દેશોમાં ફસાયેલા 172,000 ભારતીયોને સુરક્ષિત પરત લાવવાનું મિશન એ સાબિત કરે છે કે ભારત દુનિયાના કોઈ પણ ખૂણે પોતાના નાગરિકોને મુશ્કેલીમાં છોડતું નથી. મસ્કતમાં જાન ગુમાવનાર પાંચ ભારતીયોના પાર્થિવ દેહ પરત લાવવા માટે વિદેશ મંત્રાલય ઓમાન અને યુએઈ સાથે સતત સંપર્કમાં છે.

જોકે, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત સામે પડકારો પણ ઓછા નથી. બ્રિક્સ (BRICS) ના અધ્યક્ષ તરીકે ભારત અત્યારે ઈરાન, યુએઈ અને સાઉદી અરેબિયા જેવા વિરોધી વલણો ધરાવતા સભ્યો વચ્ચે સર્વસંમતિ બનાવવાની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ રશિયા અને ચીન અમેરિકી હુમલાની નિંદા કરી રહ્યા છે, તો બીજી તરફ ભારત 'સંવાદ અને મુત્સદ્દીગીરી' ના પક્ષમાં મક્કમતાથી ઊભું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કબૂલ્યું છે કે સભ્ય દેશોના અલગ-અલગ રાજકીય હિતોને કારણે સંયુક્ત નિવેદન બહાર પાડવું એક કઠિન કાર્ય છે. તેમ છતાં, ભારતની સંતુલિત અને સાવધ વિદેશ નીતિએ તેને વિશ્વ મંચ પર એક તટસ્થ મધ્યસ્થી તરીકે પ્રસ્થાપિત કર્યું છે, જે યુદ્ધખોર દેશો વચ્ચે શાંતિનો સેતુ બનવા સક્ષમ છે.

(8:14 PM IST)